બનાસકાંઠા: અમીરગઢ તાલુકાના ડાભેલા નજીકથી વહેતી ત્રણ નદીઓ પૈકીની બે નદીમાં ગત રાત્રીએ ઉપરવાસમાં ખાબકેલા ભારે વરસાદને કારણે કોરી પડેલી બે નદીઓ બંને કાંઠે વહીં રહી છે. જેથી નદી કાંઠે વસેલા 8 જેટલા ગામોના લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો છે.
ઉલ્લેખનીય છે કે, આખા વર્ષ દરમિયાન આ નદીઓ કોરી ધાકોર પડી હતી, જેના કારણે આ નદીઓ ઉપર સિંચાઈના એકમાત્ર મુખ્ય આધાર ઉપર નિર્ભર 8 જેટલા ગામોના ધરતીપુત્રો અને પશુપાલકોને ચિંતા સતાવી રહી હતી. જો આ નદીઓમાં પાણી નહીં આવે તો દુષ્કાળ જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે, તેમજ આ નદીઓના કાંઠે વસતા લોકોના બોરમાં પાણીના સ્તર આ નદીઓ ઉપર આધારિત છે, તેથી અંતે કુદરતે જાણે આ લોકોના મનની વાત જાણી લીધી હોય એમ ગત રાત્રીએ ઉપરવાસમાં ભારે વરસાદ ખાબકી પડ્યો હતો. ગોમતી (કલેડી) અને બબુકારી નામની બંને નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી. જેને જોવા માટે સવારમાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા, તેમજ આ વરસાદથી આખું વર્ષ સુધરતું જોઈ આ વિસ્તારના ધરતીપુત્રો, પશુપાલકો સહિત ગામલોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
જ્યારે બીજી બાજુ બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન બાલારામ નદીમાં પણ નવા નીર આવ્યા હતા. બાલારામ નદી બંને કાંઠે વહેતી થતા અલગ જ દ્રશ્યો જોવા મળ્યા હતા. છેલ્લા ઘણા વર્ષોથી કોરીધાકોર પડેલી બાલારામ નદી બે કાંઠે વહેતી થતા આ તમામ પાણી બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં જતા હાલ દાંતીવાડા ડેમની સપાટીમાં પણ સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લામાંથી પાણીની જે સંકટ હતું તે હટી જશે તેવું ખેડૂતો માની રહ્યાં છે.