પાલનપુરઃ બનાસડેરીની ચૂંટણીની છેલ્લી તારીખે એટલે કે, મંગળવારે ડીસા માર્કેટયાર્ડ ખાતે બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલ, ગુજરાત સરકારના પૂર્વ પ્રધાન અને જીલ્લા ભાજપ પ્રમુખ કેશાજી ચૌહાણ તેમજ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રાણાભાઇ દેસાઇ સહિત આગેવાનો અને પશુપાલકોની વિશેષ ઉપસ્થિતિમાં બનાસ ડેરીના વાઇસ ચેરમેન માવજીભાઇ દેસાઇના સમર્થનમાં સભા યોજાઇ હતી. જે બાદ ડીસા મામલતદાર કચેરીમાં મામલતદાર એ.જે.પારઘી સમક્ષ ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું.
એશિયાની નંબર વન ગણાતી બનાસ ડેરીની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ બનાસકાંઠા જિલ્લાના અનેક દિગ્ગજ નેતાઓ બનાસડેરીની ચૂંટણીમાં પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે. બનાસ ડેરીની વાર્ષિક આવક 12 હજાર કરોડ રૂપિયાની છે, ત્યારે આગામી સમયમાં યોજાનારી બનાસડેરીની ચૂંટણીને લઇ અત્યાર સુધી અનેક વિવાદો જોવા મળી રહ્યા છે. ખાસ કરીને બનાસડેરીની ચૂંટણીને લઈને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી અને વાઇસ ચેરમેન માવજીભાઇ દેસાઇ વચ્ચે આ વખતે ખરાખરીનો જંગ જોવા મળી શકે તેમ છે.
બનાસડેરીની ચૂંટણીમાં બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરી સામે અનેક દિગ્ગજ નેતાઓ આ વખતે ચૂંટણી લડી રહ્યા છે. જેમાં પરબતભાઇ પટેલ, માવજીભાઈ દેસાઈ, કેશાજી ચૌહાણે પોતાની ઉમેદવારી નોંધાવી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઇ પટેલે આ ચૂંટણીને લઇ નિવેદન આપ્યું હતું કે, આગામી સમયમાં યોજાનારી ચૂંટણી બિનહરીફ કરવામાં આવશે. હાલ જે પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં બનાસડેરીની ચૂંટણીમાં ફોર્મ ભરાય છે, તે તમામ લોકો એક સાથે મળી પાર્ટી સાથે બેઠક કરવામાં આવશે. કોઇ ચૂંટણી ન યોજાય અને બનાસડેરીની ચૂંટણી બિનહરીફ થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, આગામી સમયમાં યોજાનારી બનાસડેરીની ચૂંટણીમાં કોણ ચેરમેન બને છે અને બનાસકાંઠા જિલ્લામાં કોની જીત થાય છે.
રાધનપુર બેઠકથી શંકર ચૌધરી, થરાદ બેઠકથી સાંસદ પરબત પટેલ, પાલનપુર બેઠકથી પૂર્વ ચેરમેન પરથીભાઇ ભટોળે ઉમેદવારી કરી છે. ત્યારે બાકી રહેલા તમામ ફોર્મ મંગળવારે ભરાયા હતા. જેમાં બનાસડેરી વાઇસ ચેરમેન ડીસા માર્કેટયાડના ચેરમેન માવજી દેસાઈએ પણ ડીસાથી ફોમ ભર્યું હતું. સહકારમાં કદાવર નેતા ગણાતા અણદાભાઈ પટેલે કાંકરેજમાંથી ફોર્મ ભર્યું હતું. આ તમામ 16 બેઠક માટે ફોર્મ ભરાયા હતા.