બનાસકાંઠા: ગઈકાલે વહેલી સવારે બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના તાલુકાઓમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. જેના પગલે ખેડૂતોના ખેતરોમાં એરંડા, રાયડો, વરિયાળી, બટેટા સહિતના પાકોમાં નુકસાન થયું છે. જેથી ખેડૂતોને ખાતર અને બિયારણના પણ રૂપિયા વળે તેમ નથી.
ખેતરોમાં ઉભેલો પાક જમીનદોસ્ત: ખેડૂતોએ મોંઘા ભાવના ખાતર અને બિયારણો લાવીને ખેતી કરી હતી. પરંતુ જાણે ખેડૂતો પર કુદરત રૂઠી હોય તેમ વારંવાર ખેડૂતોને નુકસાન વેઠવું પડી રહ્યું છે. ખેડૂતોએ મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવીને ખેતી તો કરી પરંતુ મુશળધાર વરસાદ પડ્યો, જેના કારણે ખેતરોમાં ઉભેલો પાક જમીનદોસ્ત બની ગયો છે અને મોટું નુકસાન થયું છે. જે પ્રમાણે નુકસાન થયું એ પ્રમાણે હાલતો ખેડૂતને ખાતર બિયારણના પણ રૂપિયા મળે તેમ નથી. તેથી ખેડૂતોને હાલ તો રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
આ બાબતે ETV ભારત સાથેની વાતચીતમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે 'અમે મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવીને ખેતી કરી હતી. અમને આશા હતી કે આ વખતે સારો પાક થયો છે તેથી અમે જે કોઈના વ્યાજે રૂપિયા લીધા હતા અથવા તો બેંકોની લોન લીધી હોય તે અમે આ વખતે આ પાક માંથી ભરપાઈ કરી શકીશું. પરંતુ કમોસમી વરસાદને કારણે અમારા ખેતરોમાં ઉભેલો પાક જમીનદોસ્ત થઈ ગયો છે અને મોટું નુકસાન થયું છે. ખાસ કરીને અમારા વિસ્તારમાં એરંડા, રાયડો, વરિયાળી, બટાકા સહિતના પાકોમાં નુકસાન જોવા મળી રહ્યું છે. આ બાબતે સરકાર કંઈક સર્વે કરી મદદ કરે એવી અમારી માંગણી છે.'
ખેતીવાડી અધિકારીએ શું કહ્યું: આ બાબતે ETV ભારત દ્વારા બનાસકાંઠા જિલ્લાના ખેતીવાડી અધિકારી મહેશભાઈ પ્રજાપતિ સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે હાલમાં જે પ્રમાણે વરસાદ આવ્યો છે તેનાથી ખેડૂતોને કંઈ ખાસ નુકસાન નથી. આ વરસાદથી ખેડૂતોના પાકને ફાયદો થયો છે માટે સર્વે કરવાની પણ કોઈ જરૂર હોય જેવું લાગતું નથી.