બનાસકાંઠા : કોરોના વાઈરસને સંક્રમિત થતો અટકાવવા માટે સમગ્ર દેશમાં લૉકડાઉન છે. લૉકડાઉનના કારણે અનેક ધંધા-રોજગાર અને તેની સીધી અસર વર્તાઈ રહી છે.
બનાસકાંઠા જિલ્લામાં પણ રોજ કમાઇને રોજ ખાતા રત્નકલાકારોની હાલત કફોડી બની છે. સમગ્ર જિલ્લામાં અંદાજે ૩૫,૦૦૦ જેટલાં રત્ન કલાકારો હીરાના ધંધા રોજગાર સાથે જોડાયેલા છે. લોકોડાઉન થતાં જ આવા રત્ન કલાકારો બેકાર બની ગયા છે. ડાયમંડનો બિઝનેસ અગાઉથી જ મંદીનો સામનો કરી રહ્યો છે, તેવામાં લૉકડાઉન થતાં આ ડાયમંડના ધંધા સાથે સંકળાયેલા અનેક લોકો હાલ બેકારીનો સામનો કરી રહ્યા છે.
રત્ન કલાકારોને પરિવારનું ગુજરાન કઈ રીતે ચલાવવું તે જ એક મોટો સવાલ ઉભો થયો છે. ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં કેટલા એવા કેટલાય રત્નકલાકારો છે જેઓ માંડ પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા, તેવામાં લૉકડાઉન થતાં હવે આવક બંધ થઈ ગઈ છે. ત્યારે ઘરનું ભાડું ,બાળકોના ખર્ચ કે ઘરનું ગુજરાન કઈ રીતે પૂરું પાડવું તેની ચિંતા સતાવી રહી છે.
બનાસકાંઠા જિલ્લામાં ડાયમંડના ધંધા સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બે લાખ થી પણ વધુ લોકો જોડાયેલા છે. હવે લૉકડાઉન થતાં જ આ તમામ લોકોની પરિસ્થિતિ દારૂણ બની ગઈ છે. ત્યારે આગામી સમયમાં લૉકડાઉન હજુ વધુ લંબાશે તો આવનારા સમયમાં આ રત્ન કલાકારોએ આત્મહત્યા કરવાનો વારો આવશે તેમ એસોસિએશનના પ્રમુખ અમરતભાઈ ફોસીએ જણાવ્યું હતું. ત્યારે સરકારે પણ આવા લોકોની ચિંતા કરી દૈનિક ભથ્થુ આપે તેવી રત્ન કલાકારોની માંગ છે.
બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં ડાયમંડનો ધંધો છેલ્લા ઘણા સમયથી મંદીના માહોલમાં સપડાયેલા છે. જેને બેઠું કરવા માટે આ ધંધા સાથે જોડાયેલા તજજ્ઞોએ અનેકવાર સરકારમાં રજૂઆત કરી હતી, તેમ છતાં સરકારે હજુ સુધી કોઇ ઉકેલ ના લાવતા અને હવે લૉકડાઉનની સ્થિતિ સર્જાતા રત્નકલાકારો માટે તો પડ્યા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે.