- પાલનપુરમાં અનાજ કૌભાંડ મામલે ફરિયાદ નોંધાઈ
- 11 દિવસ બાદ પણ આરોપી પોલીસ પકડથી દુર
- અંદાજિત 2 કરોડના અનાજની ઉચાપતના મામલે થઈ હતી પોલીસ ફરિયાદપાલનપુરમાં અનાજ કૌભાંડ ફરિયાદ નોંધાઈ
બનાસકાંઠા: કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને મધ્યમવર્ગની પ્રજાને બે ટકનું અનાજ સરળતાથી મળી રહે તે માટે સસ્તા દરે ઘઉં અને ચોખાનું વિતરણ કરવામાં આવે છે. જેના માટે સરકાર દ્વારા રેલવે મારફતે અનાજ ગોડાઉનોમાં પહોંચાડવામાં આવતું હોય છે, ત્યાંથી આ અનાજ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા FCI દ્વારા જિલ્લાની પ્રત્યેક ગામોની રસ્તા અનાજની દુકાનોમાં ટ્રક દ્વારા પહોંચાડવામાં આવે છે. પરંતુ ગરીબો માટેનું આ અનાજ બનાસકાંઠા જિલ્લામાં ગોડાઉનમાંથી સસ્તા અનાજની દુકાને પહોંચે તે પહેલાં જ અધિકારીઓ ચાઉ કરી જાય છે. જેની માહિતી મળતાં જિલ્લા કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શનથી પુરવઠા વિભાગ અને સ્ટેટ વિજિલન્સ ટીમે પાલનપુરમાં 15 ફેબ્રુઆરીથી અનાજ ગોડાઉનમાં 5 દિવસો સુધી સતત તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન ઓક્ટોબર 2020થી જાન્યુઆરી 2021 ઘઉંની 12,776 બોરી, જ્યારે ચોખાની 2443 બોરી ઓછી હોવાની જાણ થતા તંત્ર ચોંકી ઉઠ્યું હતું.
પુરવઠા ગોડાઉન મેનેજર ફરિયાદ બાદ થયો છે ફરાર
આ મામલે જિલ્લા કલેક્ટરને જાણ કરતા જિલ્લા કલેક્ટર આનંદ પટેલે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને ગોડાઉન મેનેજર નાગજી પી. રોત, કોન્ટ્રાક્ટર તેમજ એકાઉન્ટ મેનેજર સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. 20 ફેબ્રુઆરીએ ફરિયાદ નોંધાયાને આજે 11 દિવસ વીતી ચૂક્યાં હોવા છતાં હજુ સુધી એક પણ આરોપી પકડાયો નથી. જો ગોડાઉન મેનેજર તેમજ અન્ય બે વ્યક્તિઓ પકડાય તો જિલ્લામાં અનાજ કૌભાંડ ચલાવતા અનાજ માફિયાઓ પણ કાયદામાં સાણસામાં આવી શકે તેમ છે.
ધારાસભ્ય કિરીટ પટેલે વિધાનસભામાં ઉઠાવ્યો હતો મુદ્દો
નોંધનીય છે કે, બનાસકાંઠામાં છેલ્લા કેટલાય વર્ષોથી અનાજને સગેવગે કરવાનું કૌભાંડ અનાજ માફિયાઓ ચલાવી રહ્યા છે, ત્યારે આ મામલે બે કરોડની ઉચાપત મામલે હજુ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે, જેથી પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવી સમગ્ર પ્રકરણની ઊંડાણપૂર્વક તટસ્થ તપાસ કરીને આ મામલામાં સંડોવાયેલા મોટાં- મોટાં અનાજ માફિયાઓને શોધી કાઢવા રજૂઆત કરી હતી.
આ પણ વાંચો : બનાસકાંઠા કલેક્ટરે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ આપેલા આદેશ સામે ગુજરાત હાઈકોર્ટનો સ્ટે