બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લો એટલે આમ તો પાણી સામે ઝઝુમતો જિલ્લો છે. પરંતુ છેલ્લા ચાર દિવસથી હવામાન વિભાગની આગાહી મુજબ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક ખેતરો બેટમાં ફેરવાયા છે. ખેડૂતોનો પાક પાણીમાં ગરકાવ થયો છે. ખેડૂતોએ મોંઘા ભાવના ખાતર-બિયારણ લાવીને ખેતી કરી હતી. જેના પર પાણી ફરી વળ્યું છે.
સરકાર પાસે સહાયની માંગ: ખેડૂતોએ ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા ચાર પાંચ દિવસથી મુશળધાર વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે અમારા ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. અમે મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવીને ખેતી કરી હતી. પરંતુ જે પ્રમાણે વરસાદ પડ્યો તેથી અમારો પાક સમગ્ર પાણીમાં ડૂબીને નષ્ટ થઈ ગયો છે. અમારે હવે પશુપાલનને પણ શું ખવડાવવું... તેથી અમારી પરિસ્થિતિ ખરાબ છે. જેથી સરકાર સર્વે કરી યોગ્ય સહાય કરે અમને રાહત મળી શકે છે.
જિલ્લા ખેતીવાડી અધિકારીએ શું કહ્યું: આ બાબતે જિલ્લા ખેતીવાડી અધિકારીએ ETV ભારત સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે. જેના લીધે વરસાદ પડે અને સામાન્ય રીતે ખેતરોમાં પાણી ભરાતા હોય છે. પરંતુ સતત વરસાદ પડતો રહેશે અને ખેડૂતોને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થશે તો આવનાર સમયમાં અમે સર્વે કરવાની કામગીરી હાથ ધરીશું.
કેટલો વરસાદ નોંધાયો: દાંતામાં 50 મિમી, દિયોદરમાં 19 મિમી, પાલનપુરમાં 52 મિમી, લાખણીમાં 02 મિમી, થરાદમાં 03 મિમી, વાવમાં 06 મિમી, ધાનેરામાં 14 મિમી, દાંતીવાડામાં 72 મિમી, અમીરગઢમાં 39 મિમી, વડગામમાં 82 મિમી, ડીસામાં 48 મિમી, ભાભરમાં 28 મિમી, સુઈગામમાં 130 મિમી, કાંકરેજમાં 07 મિમી વરસાદ નોંધાયો છે.