બનાસકાંઠાઃ ગુજરાત સરકાર દ્વારા શહેરના વિકાસ માટે દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ કેટલાક કોરપરેટરો દ્વારા જાણે તેમના વિસ્તારની કંઈ પડી જ ન હોય તેમ ડીસાના ગુલબાણી નગર વિસ્તારના દ્રશ્યો જોતા લાગી રહ્યું છે. ડીસાના ગુલબાણી નગરમાં 200થી પણ વધુ પરિવારો રહે છે.
ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં આ વિસ્તરનો વિકાસ થશે, એવી આશાએ લોકોએ ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરોને ખોબલે ખોબલે વોટ આપી વિજય બનાવ્યા હતા. જે બાદ ડીસા નગરપાલિકામાં ભાજપની સત્તા આવતા જાણે આ વિસ્તારના કોર્પોરેટરોને ગુલબાણી નગર વિસ્તારની કંઈ પડી જ ન હોય તેવું લાગી રહ્યું છે.
આ વિસ્તારમાં મોટા ભાગે ભાજપના કાર્યકર્તાઓ રહે છે. ખુદ ડીસાના ધારાસભ્ય પણ આ વિસ્તારમાં રહે છે. છતાં ધારાસભ્યને આ વિસ્તારની ગંદકી જાણે દેખાતી જ ન હોય તેવું લાગે છે. બીજી તરફ આ વિસ્તારની બાજુમાં મોટા ભાગે મોટી શાળાઓ આવેલી છે. જેના વિદ્યાર્થીઓ આ રસ્તા પરથી પસાર થાય છે. આ ગંદકીના કારણે અહીંથી પસાર થતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ વિસ્તારમાં ગંદકીના કારણે લોકો બીમારીઓનો પણ સામનો કરી રહ્યા છે.
આ બાબતે આ વિસ્તારના લોકો દ્વારા અનેકવાર નગરપાલિકા, કલેક્ટર અને ભારતના સ્વચ્છ અભિયાનમાં પણ રજૂવાત કરવામાં આવી છે. આજદિન સુધી આ વિસ્તારના લોકોને ગંદકીથી છુટકારો મળ્યો નથી. તાત્કાલિક ધોરણે લાગતા વળગતા અધીકારીઓ દ્વારા અહીંયાથી ગંદકી દૂર કરાવવામાં આવે તેવી આ વિસ્તારના લોકોની માગ છે.
ડીસાના ગુલબાણી નગર વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી આ વિસ્તારના લોકો ગંદકીનો સામનો કરી રહ્યા છે. અનેક રજૂવાત કરવામાં આવવા છતાં, હજૂ સુધી પરિણામ મળ્યું નથી. ડીસા નગરપાલિકાના પ્રમુખ દ્વારા શહેરના વિકાસ માટે માત્ર રોડ જ દેખાય છે. લોકોની તમામ જરૂરિયાતોનું ધ્યાન રાખી તમામ પ્રકારની સગવડો પુરી પાડવામાં આવે, તો જ શહેરનો સાચો વિકાસ થયો ગણાશે. હાલ ડીસાના ગુલબાણી નગર વિસ્તારમાં ગટરના પાણી ભરાઈ રહેતા અહીંની મહિલાઓ સૌથી મોટી સમસ્યાનો સામનો કરી રહી છે.
આ ગંદકીની સમસ્યા વર્ષોથી છે. જેના કારણે અહીં રહેતા લોકો બીમારીનો સામનો કરી રહ્યા છે. તાત્કાલિક ધોરણે ડીસા નગરપાલિકાના સત્તાધીશો દ્વારા આ ગંદકી દૂર કરવામાં આવે તેવી અહીંની મહિલાઓની માંગણી છે.