બનાસકાંઠા : લાખણી તાલુકાના લિંબાઉ ગામની સગીરાએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. જોકે સગીરાના આપઘાત પાછળ એક યુવકનો હાથ હોવાનું માનવામાં આવે છે. દિયોદરના ભેસાણા ગામના શખ્સે સગીરાના અશ્લિલ ફોટા પાડી બ્લેકમેઈલ કરતા સગીરાએ આ પગલું ભર્યું હોવાની માહિતી છે. સગીરાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારે આ મામલે મૃતક સગીરાના ભાઈએ ભેસાણ ગામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
સગીરાને ફસાવી અશ્લીલ ફોટા પાડ્યા : બનાવની મળતી વિગત અનુસાર બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ગામની એક સગીરા ધાનેરા ખાતે નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી હતી. જે દરમિયાન દિયોદરના ભેસાણા ગામના અશ્વિન લક્ષ્મણ પટેલ નામના શખ્સ સાથે પરિચયમાં આવી હતી. એકવાર અશ્વિન પટેલ સગીરાને ગાડીમાં બેસાડી બર્થડે પાર્ટીમાં લઈ ગયો હતો. જ્યાં સગીરાના અશ્લીલ ફોટા પાડી બાદમાં વારંવાર હેરાન પરેશાન કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપતો હતો.
કંટાળીને સગીરાએ કર્યો આપઘાત : આખરે સગીરાએ સમગ્ર હકીકત તેના પરિવારજનોને જણાવી હતી. જેમાં પરિવારજનોએ શખ્સને ઠપકો આપ્યો હતો. છતાં ભેસાણા ગામના શખ્સ અશ્વિન પટેલે સગીરાને વધુ હેરાન પરેશાન કરતા સગીરાએ 15-9-2023 ના રોજ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં સગીરાને પાટણ ખાતે લાઈફ લાઇન હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવી હતી. બાદમાં વધુ સારવાર અર્થે સગીરાને પાટણ ધારપુર મેડિકલ કોલેજ ખાતે સારવાર લઈ જવામાં આવી હતી.
સારવાર દરમિયાન સગીરાનું મોત : પાટણ ધારપુર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન સગીરાનું મોત નીપજ્યું હતું. જે અંગે સગીરાના ભાઈએ દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસ દ્વારા ભેસાણા ગામ આરોપી અશ્વિન પટેલ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસ કાર્યવાહી : આ બાબતે દિયોદર DySP એસ.એમ. વારોતરીયાએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, ભેસાણા ગામના શખ્સ અશ્વિન પટેલે સગીરા સાથે પરિચય કેળવ્યો હતો. બાદમાં આ શખ્સ દ્વારા અવાર નવાર ફોટા વાયરલ કરવાની ધમકી આપતા આખરે સગીરાએ ત્રાસથી કંટાળી ઝેરી દવા પીધી હતી. જેમાં સારવાર દરમિયાન સગીરાનુ કરુણ મોત નીપજ્યું છે. જે અંગે દિયોદર પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે. જેમાં આરોપી અશ્વિન પટેલની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં આગળની તપાસ ચાલુ છે.