બનાસકાંઠાઃ જિલ્લાના થરાદ પાસેથી પસાર થતી દૂધશીત કેનાલ પાસેથી બાહિસરા ગામના 25 વર્ષીય યુવાનનો મૃતદેહ મળી આવતા લોકોમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા હતા, પરંતુ પોલીસે હાલ આ યુવાનના મૃતદેહનો કબજો મેળવી તેની હત્યા થઈ છે કે અકસ્માત તેની તપાસ હાથ ધરી છે.
સમગ્ર ભારતમાં કોરોના વાઇરસની લડાઈમાં દેશને લોકડાઉન કરી દેવામાં આવ્યો છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે હાલમાં અનેક અકસ્માતો થઈ રહ્યાં છે. જેમાં અત્યાર સુધી અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, ત્યારે થરાદ ખાતે મંગળવારની મોડી રાત્રે દસ વાગ્યાના સુમારે થરાદ પાસેથી પસાર થતી દૂધશીત કેન્દ્રથી નાગલ કેનાલ રોડ પર બાહિસરા ગામના 25 વર્ષીય યુવાનનો મૃતદેહ મળી આવતા લોકોમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા હતા.
વાવ તાલુકાના બાહીસરા ગામના 25 વર્ષીય શૈલેષભાઈ શિવાભાઈની મૃતદેહ મળી આવતા લોકોમાં ભારે ચકચાર મચી ગયો હતો. આ યુવાનનો મૃતદેહ મળતા જ લોકોએ તાત્કાલિક 108ને જાણ કરી હતી અને 108 એમ્બ્યુલન્સ મારફતે આ યુવાનના મૃતદેહને થરાદ રેફરલ હોસ્પિટલ ખાતે PM માટે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેમના પરિવારજનો પહોંચતા તેમના માથાના ભાગે ગંભીર ઇજાઓ જોવા મળી હતી.
જેથી તેમના પરિવાર દ્વારા થરાદ પોલીસ મથકે પોતાના ભાઇની તિક્ષણ હથિયાર વડે હત્યા થઇ હોવાની ફરિયાદ નોંધાવી હતી, ત્યારે હાલ થરાદ પોલીસ આ યુવાનની હત્યા થઈ છે કે, અકસ્માતમાં મોત થયું છે. તે દિશામાં તપાસ હાથ ધરી રહી છે.