1 માર્ચથી રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ 15 માર્ચ સુધી ફક્ત 608 ખેડૂતોએ નોંધણી કરાવી છે. આ નોંધણીની પ્રક્રિયા હજુ 30 માર્ચ સુધી ચાલુ રહેશે. શુક્રવારથી મોડાસાના ખરીદ કેન્દ્રો પર ટેકાના ભાવથી ખરીદી શરૂ કરવામાં આવી છે, પરંતુ એક પણ ખેડૂત ઘઉં વેચવા આવ્યાં નથી. ખરીદીના પ્રથમ દિવસે ખરીદ સેન્ટર પર કાગડા ઊડી રહ્યાં હતા. ખરીદીની પ્રક્રિયા ૩૧ મે સુધી ચાલુ રહેશે. સામાન્ય રીતે ખેડૂતોને બજારમાં સારા ભાવ મળે અને ખેડૂતોને કાળી મજૂરી પછી બે પૈસા જોવા મળે તે માટે ટેકાના ભાવ જાહેર કરી સરકાર ખરીદી કરતી હોય છે.
જોકે સરકારે જ ટેકાના ભાવ સાવ તળિયાના રાખી વેપારીઓને આડકતરી રીતે ફાયદો પહોંચ્યો છે. અરવલ્લીમાં 7 ખરીદ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં છે. જોકે આ સેન્ટર બંધ કરવાની નોબત આવે તો નવાઈ નહીં. મગફળી માટે બૂમ પાડી હતી, તેથી ઘઉંની આવકની આશાએ સરકારી 21000 બારદાન તૈયાર રાખ્યાં છે, પરંતુ વેચવા માટે કોઈ જ ફરતું નથી.