રાજકોટ: શહેરમાં સદભાવના માનસ કથાનો ત્રીજો દિવસ હતો. ત્યારે સાંજના સમયે કથાકાર મોરારીબાપુએ રાજકોટ મધ્યસ્થ જેલની મુલાકાત લીધી હતી. જ્યાં મોરારી બાપુએ રાજકોટ મધ્યસ્થ જેલમાં કેદીઓને આશીર્વાદ પાઠવી અને પ્રવચન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, રાજકોટ મધ્યસ્થ જેલમાં મહિલા કેદી દ્વારા બનાવવામાં આવેલા ભોજનને મોરારીબાપુ ભિક્ષા સ્વરુપે લઇ ગયા હતા. આ સાથે જ મોરારીબાપુએ અધિકારીઓને કાનૂનનો કરુણા પૂર્વક ઉપયોગ કરવાની વિનંતિ કરી હતી.
જેલમાં કેદીઓને મોરારીબાપુનું પ્રવચન: રાજકોટ મધ્યસ્થ જેલમાં કેદીઓને મોરારીબાપુએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, આજે હું અહીંયા આવ્યો છું તો તમને બંધન વિશે માહિતી આપીશ. કુલ 8 પ્રકારના બંધન હોય છે. કર્મ બંધન, ઋણનું બંધન અને ભવ બંધન, કર્મ બંધન એટલે મોટામાં મોટું બંધન. આ બંધન આપણી સાથે જોડાયેલું છે. આપણે જેવા કર્મ કરીએ છીએ. એવું ફળ આપણે પામીએ છીએ. તમે બધા કોઈને કોઈ કર્મ બંધનના કારણે આ જેલમાં છો, અમે બહાર છીએ. તો અમે બધા પણ કર્મ બંધનમાં બંધાયેલા છીએ.
દરેક લોકોને કર્મ બંધન લાગુ પડે: મોરારી બાપુએ આગળ કહ્યું કે, જેલમાં હોય કે મહેલમાં હોય દરેકને કર્મ બંધન લાગુ પડે છે. સાધુ હોય કે શેતાન તે બધાને કર્મ બંધન લાગુ પડે છે. વાલ્મિકીજીએ રામાયણ લખ્યું છે કે, તેઓ બધાને લૂંટતા હતા અને બધાને પરેશાન કરતા એના કર્મનું ફળ એને મળ્યું છે. ભગવાન રામે કોઈને લૂંટ્યા નથી પરંતુ, શ્રી રામને પણ કર્મ બંધન લાગુ પડ્યું અને 14 વર્ષ વનવાસ જવું પડ્યું હતું.
મોરારી બાપુએ ભિક્ષામાં જેલના ભોજનની માંગ કરી: મોરારીબાપુએ વડોદરા જેલની મુલાકાત સમયનો કિસ્સો પણ યાદ કર્યો કર્યો હતો અને જણાવ્યું કે, કેદીઓની કોટડી જોતા સમયે મને થયું કે, કેદીઓ અગરબત્તી કરે અને સેવા પૂજા કરે છે. એક કેદીએ કહ્યું કે, બાપુ તમે અહીં જ રહી જાવ. ત્યારે મેં કહ્યું, હજુ મારા એવા કર્મો નથી કે, હું કૃષ્ણ જન્મ ભૂમિમાં રહી શકું. અંતમાં મોરારીબાપુએ કહ્યું કે, આજે જેલમાં જે બન્યું હોય તે મને ભિક્ષા સ્વરૂપે આપજો. હું ભિક્ષામાં જેલના કેદીઓનું ભોજન મારા પાત્રમાં લઈ જઈશ. મોરારીબાપુએ કહ્યું કે, ભાવનગર જેલમાં રહેવાની મને મંજૂરી મળી હતી. મેં ભાવનગરમાં જેલમાં કેદીઓની સાથે ભોજન લીધું અને કોટડીમાં પણ રહ્યો હતો.
આ પણ વાંચો: