ભાવનગર : અલંગમાં ભાવનગર જિલ્લાનું સૌથી મોટી ડિમોલિશન કામગીરી શરૂ થઈ છે. અલંગ શિપબ્રેકિંગ યાર્ડના પ્લોટ સામેની તરફ આવેલી સરકારની જમીન પર બુલડોઝર ફરવાની શરૂઆત થઈ છે. દુકાનદારો અને રહેણાંકી જુગ્ગીઓને દૂર કરવા માટે સૂચના આપ્યા બાદ પ્રથમ દિવસે કાર્યવાહી હાથ ધરાઈ હતી.
અલંગમાં મેગા ડિમોલિશન : ભાવનગર જિલ્લાના અલંગમાં મામલતદાર કચેરીએ મણાર ગામ નીચે આવતી જમીન પરના દબાણ હટાવવા અનેક ખાડા,ખોલી અને દુકાનો વગેરે પર બુલડોઝર ફેરવ્યું છે. આ 264 હેકટર જમીનનું દબાણ હટાવવા જતા અનેક વેપારી તળાજા કોર્ટ અને હાઈકોર્ટમાં પહોંચ્યા હતા. પરંતુ તેમની અરજી નકારી કાઢતાં હવે દબાણ હટાવવામાં આવ્યા હતા.
264 હેક્ટર જમીન પર દબાણ : ડેપ્યુટી કલેકટર જે. આર. સોલંકીએ ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું કે, મણાર ગામ હેઠળની 264 હેકટર જમીન પર 2,418 દબાણકર્તાઓએ દબાણ કર્યું હોવાથી જમીન ખુલ્લી કરવા કાર્યવાહી હાથ ધરાઈ હતી. પ્રથમ દિવસે 12 હેકટર જમીન પરથી 55 દબાણ દૂર કરવામાં આવ્યા છે, જેમાં 2 ધાર્મિક દબાણનો સમાવેશ છે.
અસરગ્રસ્ત મજૂર પરિવારોનું શું ? ડેપ્યુટી કલેકટરે વધુમાં જણાવ્યું કે, દબાણમાં કોમર્શિયલ અને રહેણાંકી બંને પ્રકારના દબાણો છે. હાલમાં કોમર્શિયલ દબાણો પર કાર્યવાહી કરાઈ છે. રહેણાંકીમાં જોઈએ તો 60 ટકા ખોલીઓ મજૂરોની છે. આ લોકોને સરકારે બનાવેલી મજૂરોની કોલોનીમાં શિફ્ટ કરવા એસોસિયેશનની મદદ લઈ રહ્યા છીએ. હજુ આ કામગીરી 5 થી 7 દિવસ સુધી ચાલી શકે એમ છે.
આશરે 50 કરોડની જમીન પર દબાણ : ભાવનગર જિલ્લાના અલંગ શિપબ્રેકિંગ યાર્ડ નજીક તંત્રની કામગીરીના પગલે સમગ્ર જિલ્લામાં ચર્ચા જાગી છે. આશરે 50 કરોડની જમીન પર દબાણ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. આ ડિમોલેશન કામગીરી બાબતે કેટલાક લોકો તળાજા કોર્ટ અને અન્ય લોકો હાઇકોર્ટ પહોંચ્યા હતા. પરંતુ બંને કોર્ટે અરજી નકારી કાઢતા ફરી ડિમોલેશન કામગીરી શરૂ કરવામાં આવી છે.
એક ક્ષણમાં બેઘર થયા : વહીવટી તંત્રએ 450 નોટિસ પાઠવી છે, તે પૈકીના એક મકાનધારક મુકેશભાઈ હીરાભાઈ મારુએ ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું કે, તેમના પિતાને આશરે 40 વર્ષ પહેલાં મણાર પંચાયતના જે તે સમયના સરપંચ તરફથી રહેવા માટે જમીન મળી હતી. હાલમાં ત્યાં મકાન છે અને તેમને નોટીસ આપી છે. મારે ઘરમાં માતા-પિતા, પત્ની અને બે બાળકો છે. હું શિપબ્રેકિંગ પ્લોટમાં મજૂરી કામ કરું છું.