ભુજ: કચ્છના વિશ્વપ્રસિદ્ધ સફેદ રણનો નજારો માણવા માટે દેશ વિદેશના પ્રવાસીઓ આવે છે. છેલ્લા 4 વર્ષથી પ્રખ્યાત થયેલા રોડ ટુ હેવન માર્ગ કે જે કચ્છના ખાવડા વિસ્તારથી સફેદ રણમાંથી પસાર થઈને ખડીર વિસ્તાર ધોળાવીરા સુધી જાય છે, જો તમે આ રસ્તા પર તસવીર ખેંચવા માટે ઊભા રહેશો અને તે સ્થળ પર પ્લાસ્ટીકનો કચરો ફેંકશો કે અન્ય કોઈ પણ રીતે આ સ્થળને નુકસાન પહોંચાડશો કે ખરાબ કરશો તો તમે મુશ્કેલીમાં મુકાય શકો છો.
પ્લાસ્ટિકના કચરાને ધ્યાનમાં રાખીને કચ્છ કલેક્ટર દ્વારા જાહેરનામું
કચ્છના પ્રવાસન સ્થળોની સાથે-સાથે ખાવડાથી ધોળાવીરા જતો માર્ગ કે જે રોડ ટુ હેવન તરીકે વૈશ્વિક સ્તરે પણ પ્રસિદ્ધ થયો છે, ત્યારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ રોડ ટુ હેવન જેની બન્ને બાજુએ સફેદ રણનો અદભુત નજારો જોવા મળે છે, તે જોવા ઊભા રહે છે. જેનો આકાશી નજારો પણ અદભુત છે. આ ડ્રોન તસવીરો ભુજના ડ્રોન પાયલોટ અભિષેક ગુસાઈ દ્વારા મંજૂરી મેળવીને કેદ કરવામાં આવી છે. ત્યારે આ વિસ્તારમાં પ્લાસ્ટીકની બોટલો, કોથળીઓ અને અન્ય સિંગલ યુઝ પ્લાસ્ટિકનો કચરો મળી આવે છે. જેને ધ્યાનમાં રાખીને કચ્છ કલેક્ટર દ્વારા આ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
પ્રવાસનની દ્રષ્ટીએ ખૂબ જ મહત્વનો માર્ગ
કચ્છમાં ભૌગોલીક વૈવિષ્યનો ઉત્તમ ખજાનો જોવા મળે છે, જેના લીધે આ જીલ્લો પ્રવાસનની દ્રષ્ટીએ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. રાજય સરકારના સહયોગથી ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા દર વર્ષે ધોરડો ખાતે રણ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે, જેનો લાભ લેવા માટે દેશ-વિદેશથી પ્રવાસીઓ આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ધોરડો ખાતે રણ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
મોટી માત્રામાં પ્રવાસીઓ રોડ ટુ હેવન માર્ગ પર કરે છે મુસાફરી
ધોરડો ખાતે રણ ઉત્સવની મુલાકાત લેતા પ્રવાસીઓ ખડીર વિસ્તારમાં આવેલા સફેદ રણમાંથી પસાર થતો રસ્તો કે જે "રોડ ટુ હેવન" (NH-754K નો ભાગ)ના નામે પણ ઓળખાય છે, તેની પણ મુલાકાત લે છે. સફેદ રણ વિસ્તાર, રોડ ટુ હેવનનો વિસ્તાર તેમજ ધોરડો રણ ઉત્સવના વિસ્તાર પર્યાવરણીય દ્રષ્ટીએ સંવેદનશીલ છે. પ્રવાસીઓ દ્વારા આ રસ્તા પર પ્રવાસ દરમિયાન તેમજ ફોટો ખેંચવાના સમયે પ્લાસ્ટીકની બોટલો, કોથળીઓ અને અન્ય પ્લાસ્ટીકની સિંગલ યુઝ ચીજવસ્તુઓ જેવો કચરો સફેદ રણ વિસ્તારમાં, રોડ ટુ હેવન વિસ્તારમાં અને તેને સંલગ્ન રણમાં ભરાયેલ પાણીમાં ફેંકવામાં આવતો હોય છે જેથી કરીને કુદરતી સંપદાને નુકસાન પહોંચતું હોય છે.
પ્લાસ્ટીકની સિંગલ યુઝ ચીજવસ્તુઓ જાહેરમાં નાખવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ
પ્રવાસીઓ દ્વારા કચરા ન ફેંકવામાં આવે તે માટે પ્રતિબંધ મૂકવા તેમજ આ જાહેર સ્થળોના સૌંદર્ય, સ્વચ્છતા અને પર્યાવરણીય પરિસ્થિતિ જાળવવા માટે તેને "Plastic Free Zone" જાહેર કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે કચ્છ કલેક્ટર અમિત અરોરાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા- 2023ની કલમ-163 અન્વયે જાહેરનામું બહાર પાડયું છે કે, કચ્છ જીલ્લાની હદમાં આવેલા ઘોરડો રણ ઉત્સવ વિસ્તારના સબરસ બસ સ્ટેન્ડથી વોચ ટાવર સુધીના રસ્તા અને તેની બંને તરફનો 2-2 કિલોમીટરનો વિસ્તાર, વોચ ટાવરની આસપાસનો સફેદ રણ વિસ્તાર અને "રોડ ટુ હેવન" NH-754k ભુજ તાલુકાના કાઢવાંઢથી ઘોળાવીરા ગામના એન્ટ્રી પોઈન્ટ સુધીનો રસ્તો અને તેની બંને બાજુના રણ વિસ્તારમાં તથા તેને સંલગ્ન રણમાં ભરાયેલ પાણીના વિસ્તારમાં પ્લાસ્ટીકની બોટલો, કોથળીઓ અને અન્ય પ્લાસ્ટીકની સિંગલ યુઝ ચીજવસ્તુઓ જાહેરમાં નાખવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
13 જાન્યુઆરી 2025 સુધી અમલમાં
રોડ ટુ હેવન રસ્તા માટે જાહેર કરવામાં આવેલ સૂચનો તેમજ જાહેરનામાનો જો કોઈ પણ વ્યક્તિ દ્વારા ભંગ કરવામાં આવશે, તો તે વ્યક્તિ વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા - 2023ની કલમ 223 હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.આ જાહેરનામું 13 જાન્યુઆરી 2025 સુધી અમલમાં રહેશે. આ ઉપરાંત વનવિભાગના અધિકારીઓ તેમજ સ્ટાફ દ્વારા અને પોલીસ અધિકારીઓ દ્વારા પેટ્રોલિંગ પણ કરવામાં આવે છે. ત્યારે જો કોઈ વ્યક્તિ આ જાહેરનામાનો ભંગ કરતા નજરે ચડશે તો તેની સામે વાહન ડીટેન સહિતની કાર્યવાહી કરવામાં આવશે.
જાહેરનામાના ભંગ બદલ થશે કાયદેસરની કાર્યવાહી
ઉલ્લેખનીય છે કે દેશ વિદેશથી આવતા પ્રવાસીઓ સ્થાનિક ખાનગી વાહનો ભાડે કરીને આ વિસ્તારમાં ફરવા જતા હોય છે, ત્યારે રસ્તાની બન્ને બાજુએ સફેદ રણનો અદભુત નજારો માણવા માટે રસ્તા પર વાહન પાર્ક કરીને સફેદ રણમાં અંદર ઉતરી ફોટો ક્લિક કરવા માટે તો સાથે જ નાસ્તો પાણી કરવા માટે અહીં ઊભા રહેતા હોય છે, ત્યારે પ્રવાસીઓ અહીં કચરો કરતા હોય છે. તો તાજેતરમાં વનવિભાગના અધિકારી દ્વારા પણ ખાનગી વાહનચાલકોને ફોન કરીને કલેક્ટરના જાહેરનામા અંગે માહિતગાર કરવામાં આવ્યા છે. તો પ્રવાસીઓને પણ પ્લાસ્ટીકનો કચરો ના ફેંકવા માટે માહિતગાર કરવા અપીલ કરવામાં આવી છે. જોકે માર્ગ પર ઠેકઠેકાણે વનવિભાગ દ્વારા સાઈન બોર્ડ અને સૂચનો માટેના બોર્ડ પણ મૂકવામાં આવ્યા હોવાનું વનવિભાગમાંથી જાણવા મળ્યું હતું. આ અગાઉ પણ આ વિસ્તારને નો ડ્રોન ફ્લાય ઝોન ઘોષિત કરવામાં આવ્યું હતું.