- અરવલ્લી જિલ્લામાં રવિ પાકમાં બટાકાના વાવેતરમાં નોંધપાત્ર વધારો
- અરવલ્લી વેફરના ઉત્પાદનમાં વપરાતા બટકા માટેનું હબ
- પ્રોસેસિંગ બટાકાના ઉત્પાદન માટે ખેડુતો LR બિયારણનું વાવેતર કરે છે
અરવલ્લી: છેલ્લા 10 વર્ષમાં અરવલ્લી જિલ્લામાં રવિ પાકમાં બટાકાના વાવેતરમાં નોંધપાત્ર વધારો થયો છે. બટાકાની વિવિધ જાતો પૈકી પ્રોસેસિંગમાં વપરાતા બટાકાના વાવેતર અને ઉત્પાદનમાં વધારો થવાથી અરવલ્લી વેફરના ઉત્પાદનમાં વપરાતા બટકા માટેનું હબ બની ગયું છે.
પ્રોસેસીંગના બટાકાના ઉત્પાદન માટે ખેડૂતો LR બિયારણનું વાવેતર કરે છે
કેટલાક વર્ષો પહેલા અરવલ્લીના ખેડુતો, રવિ પાકમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, ચણા, રાયડા વગેરેનું વાવેતર કરતા હતા. કેટલાક ખેડૂતો રાંધણમાં વપરાતા બટાકા માટે પોખરાખ, લોકર તેમજ અન્ય જાતના બિયારણનું વાવેતર પણ કરતા હતા. જોકે, છેલ્લા 10 વર્ષમાં અરવલ્લીના ખેડૂતો પ્રોસેસિંગ બટાકાનું વાવેતર કરી રહ્યા છે અને હવે દર વર્ષે આ વાવેતરમાં નોંધપાત્ર વૃદ્વિ જોવા મળી રહી છે. પ્રોસેસિંગ બટાકાના ઉત્પાદન માટે ખેડુતો LR બિયારણનું વાવેતર કરે છે. ખેડૂતો આ બટાકાના વેચાણ માટે અગાઉથી કોર્પોરેટ કંપનીઓ સાથે કરાર કરે છે. જેથી તેજી અથવા મંદીનો સામનો કરવો પડતો નથી.
આ પણ વાંચો: ડીસા માર્કેટ યાર્ડમાં બટાટાની આવક વધતા ભાવમાં ઘટાડો
બટાકાના વાવેતરમાં વધારો થવા માટે કેટલાક પરિબળો
અરવલ્લીમાં ચાલુ સાલે 22510 હેકટરમાં બટાકાનું વાવેતર કરવામાં આવ્યું છે. અરવલ્લીમાં પ્રોસેસિંગ માટે વપરાતા બટાકાના વાવેતરમાં વધારો થવા માટે કેટલાક પરિબળો જવાબદાર છે. અરવલ્લી જિલ્લા બાગાયતી અધિકારીએ આ પરિબળો ઉપર પ્રકાશ પાડ્યો હતો.
આ પણ વાંચો: બટાકા નગરી ડીસામાં બટાકાની પુષ્કળ આવક, કોલ્ડ સ્ટોરેજ સંપૂર્ણ ભરાયા
જિલ્લામાં રોજગારીની તકો પણ વધશે
જિલ્લામાં પ્રોસેસીગ બટાકાનું વાવેતર વધવાની સાથે હવે 2 નામાંકિત વેફર કંપનીઓના યુનિટ પણ નિર્માણ પામી રહ્યા છે. ત્યારે આવનારા દિવસોમાં વધુ ખેડૂતો આ ખેતી તરફ આકર્ષાશે. આ સાથે જ જિલ્લામાં રોજગારીની તકો પણ વધશે.
પ્રોસેસીંગ બટકાના વાવેતરમાં વૃદ્વિ થવાના કારણો
- અરવલ્લીમાં ગીરીમાળાઓ આવેલી છે તેથી રવિપાકની સીઝનમાં વાતાવરણ ઠંડુ રહે છે
- ખેડુતો દ્રારા માઇક્રો ઇરીગેશન પદ્વતિ અપનાવામાં આવી રહી છે
- પ્રોસેસીંગ કંપનીઓની સ્થાપના
- કોલ્ડ સ્ટોરેજની ઉપલબ્ધતા
- કોંટ્રાક્ટ ફાર્મીંગ (ફકત પ્રોસેસીંગ બટાકા માટે)