- મોડાસામાં અમૃત મહોત્સવ યોજાયો
- યોગ બોર્ડના ચેરમેન રહ્યાં ઉપસ્થિત
- ઐતિહાસિક દાંડી યાત્રાની સ્મૃતિમાં યોજયો અમૃત મહોત્સવ
અરવલ્લી: જિલ્લાના મોડાસામાં આઝાદીના સંગ્રામમાં સ્વદેશી ચળવળને વેગ આપનારી ઐતિહાસિક દાંડી યાત્રાની સ્મૃતિમાં અમૃત મહોત્સવ યોજવામાં આવ્યો હતો. શુક્રવારના રોજ “આઝાદી કા અમૃત મહોત્સવ” મોડાસાના ભામાશા હૉલ ખાતે યોગ બોર્ડના ચેરમન શીશપાલ રાજપૂતની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે શીશપાલ રાજપૂતે જણાવ્યું કે, આજની પેઢીને રાષ્ટ્રભક્તિ અને ગૌરવ પેદા થાય, આ સાથે ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર થાય તે માટે આઝાદીના 75 વર્ષમાં અમૃત મહોત્સવનું આયોજન સમગ્ર રાજ્યમાં કરવામાં આવ્યું છે.
આઝાદીના ચળવળમાં અરવલ્લીનું યોગદાન
પ્રાસંગિક પ્રવચનમાં શીશપાલ રાજપૂતે જણાવ્યું હતુ કે, ભારતની સ્વતંત્રતા આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા દેશ- રાજયમાં ઠેર ઠેર લોકજાગૃતિ અને રાષ્ટ્રપ્રેમ દેશભક્તિની યુવાપેઢીમાં ચેતના જગાવવા, આત્મનિર્ભર ભારતનો મંત્ર જન જન સુધી પહોંચે અને જનજનનો મહોત્સવ બને તે માટે જિલ્લા કક્ષાએ અરવલ્લીમાં દાંડી યાત્રા અંતર્ગત આત્મનિર્ભર ભારત, મોર્ડન ઈન્ડિયા, ક્લાઇમેન્ટ ચેન્જ, શૌર્યગીત, નાટિકા આશ્રમ, ભજનાવલી આધારિત ભજનો, આઝાદીની ચળવળ અને રાષ્ટ્રભક્તિની થીમ આધારિત 12મી માર્ચ- 2021થી 5 એપ્રિલ સુધી આઝાદી સાથે સંકળાયેલા 75 સ્થળોએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. આઝાદીના સંગ્રામમાં અરવલ્લીનું યોગદાન રહેલું છે. સમગ્ર દેશમાં જયારે આઝાદીનો સંગ્રામનું રણશિંગૂ ફૂંકાયુ ત્યારે તેની અસર બૃહદ સાબરકાંઠા અને હાલના અરવલ્લી જિલ્લામાં પણ તેની અસર જોવા મળી હતી. દેશમાં ગાંધીજીએ સ્વદેશી ચળવળની લડત આરંભી ત્યારે અરવલ્લીના મોડાસાની શંકર રામજી ધર્મશાળા ખાતેથી મથુરદાસ ગાંધીએ ચળવળના શ્રીગણેશ કર્યા હતા. જેમાં વિલાયતી ખાંડનો બહિષ્કાર, દેશી બનાવટની બીડી, પંચાંગી અસહકાર, પરદેશી કાપડનો બહિષ્કાર સહિતના આક્રમક કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા હતા. સ્વદેશી ચળવળને વેગ આપવા અને સ્થાનિક ઉત્પાદનને ઉત્તેજન આપી બજારભાવ સ્થિર કરવા જિલ્લામાંથી 240 રેંટીયા ફરતા કરી સ્વદેશી ભંડાર શરૂ કર્યો હતો. જયારે 1920ના નાગપુરના અધિવેશનમાં ગાંધીજીએ નોકરીના બહિષ્કારના આપેલા આદેશને ઝીલી અરવલ્લીના મથુરદાસ ગાંધી, નટવરલાલ ગાંધી, ચુનીલાલ ગાંધી, મોહનલાલ ગાંધી, પુરૂષોત્તમ શાહ, સૂરજી સોલંકી અને રમણલાલ સોનીએ કુટુંબની જીવાદોરી સમાન નોકરી- ધંધાને તિલાંજલી આપીને આઝાદીના યજ્ઞમાં આહુતિ આપી હતી.
અઝાદીની લડતમાં મોડાસામાં કોમી એકતા કાયમ
અરવલ્લી જિલ્લામાં અદાલતોના બહિષ્કારના ઝૂંબેશમાં મોડાસામાં સરકારી અદાલતોનો વિકલ્પ પુરો પાડવા જનતાની લવાદ કોર્ટની સ્થાપના કરી અને 40 સદગૃહસ્થોએ ન્યાયાધીશ તરીકે ફરજ બજાવીને આઝાદીમાં યોગદાન આપ્યું હતું તથા આઝાદીની લડતામાં અરવલ્લીના હિન્દુ- મુસ્લિમોમાં એકતા જળવાય રહે તે માટે મથુરદાસ ગાંધી, રમણલાલ સોની, મહંમદ હુસૈન મુનશી મહંમદખાનજી વગેરે અગ્રણીઓએ સબળ પુરૂષાર્થ આદર્યો હતા. મોડાસા હાઇસ્કૂલ આર્થિક ભીંસ અનુભાવતી હતી, ત્યારે હાઇસ્કૂલને હિન્દુ હાઇસ્કૂલ નામ આપવાની શરતે મળતું એક લાખ રૂપિયાનું માતબર દાન કોમી એકતા જાળવવા ખાતર દાન જતુ કર્યુ હતું કોમી એખલાસનું જવલંત અને અનુકરણીય ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. ગાંધીના વિચારના વરેલા અરવલ્લી વાસીઓએ સમૂહ જીવનની ભાવનાને વ્યાપક બનાવવા માટે અમદાવાદના સાબરમતી આશ્રમની જેમ બૃહદ સાબરકાંઠા જિલ્લાના ઓઢા ગામે ગાંધી મંદિર શરૂ કરવામાં આવ્યું હતું.
1200 શહિદોની યાદમાં 1200 જેટલા વૃક્ષો વાવી શહિદ સ્મૃતિવન ઉભું કરવમાં આવ્યું
1919 જલિયાવાલા બાગ હત્યાકાંડ સર્જાયો તે ઇતિહાસ અંકિત છે. પરંતુ તેનાથી પણ વધુ ક્રૂર હત્યાકાંડ બૃદહ સાબરકાંઠા જિલ્લાના પાલ દઢવાવમાં માર્ચ 1922માં સર્જાયો હતો. તેમાં 1200 જેટલા આદિવાસીઓ ગોળીએ વિંધી દેવાયા પણ ક્યાંય નોંધ લેવાઇ નહિ કેમકે અંગ્રજોએ રેકર્ડ પર અંકિત થવા ન દિધી. 7 માર્ચ 1922ના રોજ રાજસ્થાન રાજ્યના જાણીતા સ્વાતંત્ર્ય સેનાની મોતીલાલ તેજાવતના નેતૃત્વમાં દઢવાવ ગામે એક સભા બોલાવી તેમાં રાજસ્થાન, દાંતા, ખેરવાડા, પોશીના તથા આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં આદિવાસીઓ એકઠા થયા હતા.
આ પણ વાંચો : દાંડીયાત્રામાં જોડાયેલા લોકો સાથે ETV Bharatની ખાસ વાતચીત
1200 જેટલા આદિવાસીઓ ગોળીએ વિંધાઇ ગયા હતા
બ્રિટીશ સામ્રાજ્યવાદી લગાન વધારવાના જુલમ સામે એકઠા થયેલા લોકાનો સંદેશ જાણીને મેવાડ ભીલ કોપર્સ(એમ.બી.સી) નામના બ્રિટીશ અર્ધ લશ્કરી દળો સભાસ્થળને હથિયારો સાથે ગોઠવાઇ ગયા અને આઝાદીનો અવાજ દબાવવા મોતીલાલ તેજાવતને પકડી લેવા આદેશ આપ્યો હતો. મોતીલાલે વેરા વધારાનો પ્રચંડ વિરોધ કર્યો જેના પગલે અંગ્રેજ ઓફિસર મેજર એચ. જી. સટ્ટેએ ગોળીબારનો આદેશ કર્યો હતો. 1200 જેટલા આદિવાસીઓ ગોળીએ વિંધાઇ ગયા હતા. મોતીલાલ તેજાવત અગમચેતીથી બચી ગયા હતા. જોકે ઊંટ પર જતા તેમને હાથે ગોળી વાગી હતી. આઝાદીબાદ મોતીલાલ તેજાવતે ત્યાં મુલાકાત લઇને હત્યાકાંડની સ્મૃતિમાં આ ભૂમિને વીરભૂમિ ગણાવી ત્યાં મોટા મેળા ભરવાનું જણાવ્યું હતું. 22 જૂન 2003 રોજ ઐતિહાસિક શહિદગાથાની સ્મૃતિમાં તેને જીવંત રાખવા શહિદોને શ્રધ્ધાંજલી અર્પવા શહિદ સ્મારક ઉભુ કરવામાં આવ્યું છે. આ 1200 શહિદોની યાદમાં 1200 જેટલા વૃક્ષો વાવી શહિદ સ્મૃતિવન ઉભું કરવમાં આવ્યું છે. જે આજે સુંદર રમણીય અને લીલી વનરાજીથી ખીલી ઉઠ્યુ છે.
રાષ્ટ્રભક્તિને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમો યોજાયા
અરવલ્લીમાં દાંડીયાત્રા અંતર્ગત આત્મનિર્ભર ભારત, મોર્ડન ઈન્ડિયા, ક્લાઇમેન્ટ ચેન્જ, શૌર્યગીત, નાટિકા આશ્રમ, ભજનાવલી આધારિત ભજનો, આઝાદીની ચળવળ અને રાષ્ટ્રભક્તિને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.
આ પણ વાંચો : પોલીસે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા પહેલાં ટાયરમાંથી હવા કાઢી, આ લોકશાહી છે કે તાનાશાહી? :કોંગ્રેસ