- વિદ્યાનગર પોલીસ મથકે નોંધાઈ કરોડોની છેતરપિંડીની ફરિયાદ
- દ્વારકેશ ટ્રાન્સપોર્ટ નામની કંપનીના માલિકે નોંધાવી ફરિયાદ
- આઈનોક્સ વિન્ડ નામની કંપનીએ છેતરપિંડી કર્યાના આક્ષેપ
આણંદઃ આ અંગે મળતી માહિતી અનુસાર, વિદ્યાનગર GIDCમાં દ્વારકેશ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન નામની કંપની આવેલી છે, જેના માલિક દિપલ દ્વિવેદીએ મૂળ નોઈડા ઉત્તરપ્રદેશમાં આવેલી આઈનોક્સ (inox) વિન્ડ નામની કંપની પાસે કોન્ટ્રાકટ પર ક્રેઇન અને ટ્રાન્સપોર્ટ વ્હિકલનો કોન્ટ્રાકટ રાખીને કામ ચાલુ કર્યું હતું, જેમાં લૉકડાઉન બાદ આઈનોક્સ વિન્ડ દ્વારા કામ કરવી રૂપિયા 2.15 કરોડ જેટલા બિલના નાણા ન ચૂકવી છેતરપિંડી કરી હતી. આ અંગે કંપનીના ડિરેકટર અને કર્મચારીઓ વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવા વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
નોઈડામાં ટીમ મોકલી આરોપીની અટક કરવા કાર્યવાહી હાથ ધરાઈ
આ અંગે આણંદ નાયબ પોલીસ અધિક્ષક બી. ડી. જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, વિદ્યાનગર પોલીસમથકમાં દ્વારકેશ ટ્રાન્સપોર્ટના માલિક દિપલ દ્વિવેદીની ફરિયાદના આધારે તાપસ શરૂ કરાઈ છે. આગામી દિવસોમાં નોઈડામાં આવેલા આઈનોક્સ વિન્ડના મુખ્ય કાર્યાલય ખાતે ટીમ મોકલી આરોપીઓની અટક કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
મોટા માથાઓના નામ સામે આવે તેવી સંભાવના
આઈનોક્સ વિન્ડ કંપનીના માલિક અને કર્મચારીઓ મળી કુલ 15 આરોપીઓનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે આગામી દિવસોમાં આ ગૃપ ઓફ કંપનીના મોટા માથાઓ વિદ્યાનગર પોલીસના હાથમાં આવી કાયદાની ઝપેટમાં આવે અને સમગ્ર ઘટનામાં વધુ ખુલાસો થાય તેવી સંભાવના છે. હાલ તો દ્વારકેશ ટ્રાન્સપોર્ટના લાખો રૂપિયા ફસાયા છે અને તે અંગે દિપલ દ્વિવેદીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.