- સરદાર પટેલ યુનિવર્સિટીમાં 63મો પદવીદાન સમારંભ યોજાયો
- શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા રહ્યા ઉપસ્થિત
- રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ રાજભવનથી વર્ચુઅલી જોડાયા
આણંદ: વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના 63માં પદવીદાન સમારંભનું આજે યુનિવર્સિટી ભવન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર શેખર ડાયરેક્ટર જનરલ CSIR ન્યુ દિલ્હી સહિત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર સતીશ કુલકર્ણી પણ ઉપસ્થિત રહ્યા હતા.
સુવર્ણચંદ્રક વિજેતા વિદ્યાર્થીઓને આમંત્રણ અપાયું
કોરોનાની વર્તમાન મહામારીને ધ્યાનમાં રાખીને વિદ્યાનગર ખાતે યોજાયેલા સરદાર પટેલ યુનિવર્સિટીનાં 63માં પદવીદાન સમારંભમાં ફક્ત સુવર્ણચંદ્રક વિજેતા 119 વિદ્યાર્થીઓને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. સાથે યુનિવર્સિટીના અન્ય ઉપાધિ પ્રાપ્ત કરેલા વિદ્યાર્થીઓને તેમના નિવાસસ્થાને ડિગ્રી મોકલવાની વ્યવસ્થા યુનિવર્સિટી મેનેજમેન્ટ દ્વારા આગામી દિવસોમાં કરવામાં આવશે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજભવનથી વર્ચુઅલી જોડાયા
સરદાર પટેલ યુનિવર્સિટીનાં 63માં પદવીદાન સમારંભમાં સૌ પ્રથમ વખત ગાંધીનગર રાજભવન ખાતેથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વર્ચ્યુઅલી કાર્યક્રમમાં હાજરી આપી હતી. કોરોના મહામારીના કારણે ઉત્તિર્ણ થયેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને પણ આ કાર્યક્રમમાં સામેલ કરવામાં આવ્યા નહોતા. ફક્ત યુનિવર્સિટીમાંથી સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને જ આ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું.
સમારંભમાં કુલ 17862 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી
સરદાર પટેલ યુનિવર્સિટીના 63માં પદવીદાન સમારંભમાં કુલ 17862 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. જેમાંથી 119 વિદ્યાર્થીઓએ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યા હતા. આ સાથે કુલ 3,25,528 વિદ્યાર્થીઓએ વિવિધ વિદ્યાશાખા માંથી પદવી મેળવી ઉત્તિર્ણ થયા હતા. જેમાંથી 12034 વિદ્યાર્થીઓ સ્નાતક કક્ષાના અને 5828 વિદ્યાર્થીઓએ અનુસ્નાતક કક્ષાની પદવી મેળવી હતી.