આણંદ: આણંદ જિલ્લામાં વિશ્વ વિખ્યાત અમૂલ ડેરીના નિયામક મંડળની શનિવારે ચૂંટણી યોજાઈ હતી. ત્યારે મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. અમૂલ ડેરીમાં 13 બેઠકો પર ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
અમૂલ ડેરીના મુખ્ય મથક ખાતે યોજાઈ રહેલી ચૂંટણીની સમગ્ર જવાબદારી ચૂંટણી અધિકારી તરીકે નીમવામાં આવેલા પ્રાંત અધિકારી જ સિદ્ધ કરે છે. જિલ્લા પોલીસ તંત્ર સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીની કામગીરીમાં નોંધનીય કામગીરી દાખવવામાં આવી હતી.
આજે 3 વાગ્યા સુધીમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. તેમજ અમલમાં આવેલા પાંચ બિલ્ડિંગમાં 11 મતદાન મથકો ઉભા કરી સોશિયલ ડિસ્ટન્સ તથા કોરોના મહામારી સમયે રાખવા જેવી તમામ સાવચેતીઓ સાથે મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોવાની જાણકારી ચૂંટણી અધિકારી દ્વારા આપવામાં આવી હતી.
અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણી માટે સૌપ્રથમ વખત ઉમેદવારોનો જમાવડો જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઠાસરા બેઠક પરથી વર્તમાન ચેરમેન રામસિંહ પરમાર બિનહરીફ જાહેર થયા બાદ અન્ય 11 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.