આણંદઃ સરકાર દ્વારા બુધવારના રોજ ચાઇનાની 118 મોબાઇલ એપ્લિકેશન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેમાં મોબાઈલ ગેમમાં અતિ લોકપ્રિય સાથે વિવાદિત બનેલી પબજી ગેમનો પણ સમાવેશ થાય છે. ત્યારે આ પ્રતિબંધના એક દિવસ પહેલા ઉમરેઠ તાલુકાના સુરેલી ગામે એક શિક્ષક પિતા દ્વારા આખો દિવસ મોબાઈલ પર પબજી રમ્યા કરતા પોતાનાં પુત્રને ઠપકો આપતા પુત્રએ જીવન ટૂંકાવી લીધું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર સુરેલી ગામે રહેતો મોહંમ્મદ ઈસ્માઈલખાન પઠાણ (ઉ. વ.17) પોતાના મોબાઈલમાં પબજી ગેમ રમ્યા કરતો હતો. જેને લઈને પિતા દ્વારા વારેઘડીએ તેને ટોકવામાં આવતો હતો. મંગળવારે પણ બપોરના સુમારે તે મોબાઈલમાં પબજી ગેમ રમવામાં તલ્લીન થઈ જતાં પિતાએ ઠપકો આપ્યો હતો, જેથી તેને લાગી આવતાં ડાંગરમાં નાંખવાની ઝેરી દવા પી લીઘી હતી. થોડીવાર બાદ તેને ઉલ્ટીઓ થવા માંડી હતી અને નીચે આળોટવા લાગ્યો હતો. પરિવારના સભ્યોને મોહંમ્મદે ઝેરી દવા પીધી હોવાની જાણ થતાં તુરંત જ ઉમરેઠની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં હાલત ગંભીર હોય વધુ સારવાર માટે આણંદની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમ્યાન તેનુ મૃત્યું થયુ હતુ.
પોલીસના જણાવ્યાં અનુસાર સગીરની હાલત અત્યંત ગંભીર હોય તેનું ડાઈંગ ડેક્લેરેશન લઈ શકાયુ નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં પબજી ગેમ રમવા માટે પિતાજીએ ઠપકો આપતાં તેણે આ પગલું ભર્યું હતુ. ઉલ્લેખનીય છે કે, આ પ્રકારની ગેમ ખાસ કરીને યુવાનો અને કિશોર વયના બાળકોના માનસ પર સીધી અસર કરતી હતી. ઘણા કિસ્સામાં આ પ્રકારની ગેમના કરુણ પરિણામ સામે આવી ચુક્યા છે, ત્યારે સુરેલીના પરિવાર માટે પબજી ગેમ પુત્ર ખોવા માટે કારણભૂત બની હતી. સરકાર દ્વારા ગેમ પર મુકવામાં આવેલા પ્રતિબંધને જાગૃત નાગરિકો આવકારી રહ્યા છે.