આણંદ જિલ્લાના સમરખા ગામથી નજીકમાં આવેલ એક અંતરિયાળ ખેતરાઉ માર્ગને થોડા મહિનાઓ અગાઉ ડામર રોડમાં રૂપાંતરિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેથી આ માર્ગનો ઉપયોગ કરતા નાગરિકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી.
સમરખા ગામ પાસે આવેલ દલાપુરાથી કાસોરને જોડતા આ માર્ગનું નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ તેની કામગીરી પુરી થાય એ પહેલા જ આ માર્ગ પર જવાબદાર અધિકારીઓ દ્વારા કામ પૂર્ણ થયાનું બોર્ડ મારી દીધું છે. જ્યારે સ્થાનિકો દ્વારા બોર્ડ મારી રહેલા અધિકારીઓને રોડની કામગીરી અંગે પૂછ્યું તો અધિકારીઓ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા.
સામરખાના રહેવાસી ભાવિન પટેલ, જેઓ સામરખા કેળવણી મંડળના ચેરમેન છે. અને તેઓની જમીન આ માર્ગ પર છે. જેથી તેઓ પણ આ માર્ગનો નિયમિત ઉપયોગ કરે છે. ભાવિન પટેલ દ્વારા આ માર્ગ અંગે બોર્ડ મારવા આવેલ અધિકારીઓ સાથે રોડ અને તેની અધૂરી કામગીરી અંગે પૂછતાં કરવામાં આવતા અધિકારીઓ સંતોષકારક જવાબ આપ્યા સિવાય જતા રહ્યાં હતા.
અધિકારીઓ દ્વારા સંતોષકારક જવાબ ન મળતા સ્થાનિકો દ્વારા આ અંગે સ્થાનિક આગેવાનો અને જિલ્લા વિકાસ અધિકારીને ઘટના અંગે જાણ કરવામાં આવી હતી.
સમગ્ર ઘટના વિશે ભાવિન પટેલે etv ભારતને જણાવ્યું હતું કે, આ માર્ગ પર તેમની જમીન આવેલી છે. જેથી તે કાયમ આ માર્ગ પર અવર જવર કરતા હોય છે. અંદાજીત થોડા દિવસો પહેલા દલાપુરાથી કાસોરને જોડતા આ વિવાદિત રોડનું કામ ચાલુ થયું હતું. પરંતુ ગુરુવારે મોડી સંધ્યા સમયે માર્ગ વિભાગનાં અમુક અધિકારીઓ દ્વારા આ અધૂરા કામ વાળા માર્ગ પર 'મુખ્યમંત્રી ગ્રામ્ય સડક યોજના'નું બોર્ડ મારી રહ્યા હતા. જે બોર્ડ પર દર્શાવેલી તમામ વિગતો ખોટી હોવાનું સામે આવતા તેમને લગાવેલા આ બોર્ડ પર દર્શાવેલ માહિતી મુજબ હજુ કામ પૂર્ણ થયું નથી. અધિકારીઓએ અધ્ધર જવાબ આપી કામ પૂર્ણ થઇ ગયું હોવાની જાણકારી આપી હતી.
ભાવિન પટેલે સમગ્ર ઘટનાની જાણ આણંદ જિલ્લા વિકાસ અધિકારી(DDO)ને કરી હતી. જે બદલ આણંદના DDO આશિષ કુમારે લાગતા વળગતા અધિકારીઓ સાથે તાત્કાલિક ધોરણે સ્થળ તપાસ કરી કરવામાં આવેલ કામ અંગે અહેવાલ રજુ કરવા અને થયેલા કામની ગુણવત્તાની ચકાસણી કરવા ઓર્ડર આપ્યા છે.
ચોંકાવનારી વાત એ છે કે, બોર્ડ પર દર્શાવેલ માર્ગની લંબાઈ 1950 મીટરની છે, જ્યારે વર્તમાન રોડની લંબાઈ માત્ર 1200 મીટરની જ છે, વળી માર્ગની કામગીરી 20/07/2019ના રોજ ચાલુ કરવામાં આવી હતી. પરંતુ બોર્ડ પ્રમાણે આ માર્ગની કામગીરા ચાર માસ પહેલા જ પતી ગયી હતી. એટલે કે 20/04/2019 ના રોજ આ માર્ગનું કામ પૂર્ણ થઈ ગયેલ છે. આ અંગે જ્યારે આણંદ જિલ્લા પંચાયતના નાયબ કાર્યપાલક અધિકારીને પૂછવામાં આવ્યું ત્યારે તેમને તારીખ લખવામાં ભૂલ હોવાની જાણકારી આપી હતી. 66,38,900/-ના માર્ગમાં આવી લાપરવાહી દાખવી હોવાની કબૂલાત હસતા મોઢે કરતા તેમને વધુમાં જણાવ્યું કે, આ માર્ગનું કામ પૂર્ણ થયું નથી. આ તાપસ કરી જરૂરી પગલાં ભરવામાં આવશે. તથા બે ત્રણ દિવસમાં સુધારો કરી નવું બોર્ડ લગાવી દેવામાં આવશે.
હાલ તો સામરખા ગામના જાગૃત નાગરિકો આ માર્ગને લાઇ સાચી તાપસ કરવાની માગ કરી રહ્યા છે. અને જો આ માર્ગનું કામ ગુણવત્તાસભર પૂર્ણ કરવામાં નહીં આવે, તો ઉપવાસ આંદોલન કરશે તેવી વાત કરી રહ્યા છે. સરકારી ઓફિસોમાં બેસી સરકાર પાસેથી મોટો પગાર લેતા આવા અધિકારીઓ જ્યારે આવી ગંભીર ભૂલો કરે અને સરકારી તિજોરીમા આવતા લોકોના ટેક્સના નાણા ભંડોળનો દૂરવ્યય કરે, તે કેટલા પ્રમાણમાં યોગ્ય છે? તે સવાલ જાગૃત નાગરિકો કરી રહ્યાં છે.