- એક સાથે 5 વનરાજ પીપાવાવ પોર્ટ પર જોવા મળ્યા
- 5 પૈકી એક સિંહણ રેડિયો કોલરથી સુરક્ષિત હોવાનું જોવા મળ્યું
- પીપાવાવ પોર્ટ પર જોવા મળેલા તમામ સિંહ રાજુલા રેન્જના હોવાનું સામે આવ્યું
અમરેલીઃ ગીરના સિંહોને જાણે કે રાજુલા નજીક આવેલું પીપાવાવ પોર્ટ માફક આવી ગયું હોય તેવું લાગી રહ્યું છે. ગઈકાલે સોશિયલ મીડિયામાં કેટલાક વીડિયો વાયરલ થયા છે. રાત્રીના સમયે પીપાવાવ પોર્ટના માર્ગો પર એક સાથે 5 જેટલા સિંહો લટાર મારતા હોય તેવો વીડિયો વાઇરલ થયો છે સમગ્ર મામલાને લઈને શેત્રુંજી રેન્જના નાયબ વન સંરક્ષક નિશા રાજ સાથેની ETV ભારતે કરેલી ટેલિફોનિક વાતચીતમાં સમગ્ર મામલા પરથી પરદો ઉંચકાયો છે. જે સિંહો પીપાવાવ પોર્ટ પર લટાર મારતા જોવા મળી રહ્યાં છે. તે તમામ રાજુલા રેન્જના હોવાનું પણ સામે આવ્યું છે. રાજુલા અને જાફરાબાદ વિસ્તારમાં 3 જેટલી સિંહણોને રેડિયો કોલરથી સુરક્ષિત કરાઈ છે જે પૈકીની એક સિંહણ ગઈ કાલે રાત્રે પીપાવાવ પોર્ટ પર કેટલાક સિંહબાળ સાથે લટાર મારતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે
રાજુલા રેન્જ વિસ્તારમાં ૩૦ જેટલા સિંહોનું એક ગ્રુપ સતત જોવા મળી રહ્યું છે
રાજુલા નજીકમાં ૩૦ જેટલા સિંહનું એક જૂથ પાછલા કેટલાક વર્ષોથી સતત જોવા મળી રહ્યું છે. જેની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે સિંહોની ચહલ-પહલ સતત વધી રહી છે જેને કારણે તેના પર ચોક્કસ નજર રાખી શકાય તે માટે ગ્રુપની ત્રણ જેટલી સિંહણોને રેડિયો કોલરથી સુરક્ષિત કરવામાં આવી છે જેના થકી કોઈ પણ નવા વિસ્તારમાં સિંહો પરીવાર સાથે આવી ચડે તો તેની જાણ વનવિભાગને થઈ શકે છે અમે તેને સુરક્ષિત ફરી તેમના વિસ્તારમાં મોકલી શકાય રાજુલા અને જાફરાબાદ વિસ્તાર હવામાનની દ્રષ્ટિએ ઠંડકવાળો વિસ્તાર માનવામાં આવે છે. આ વિસ્તારમા ઠંડક હોવાને કારણે સિંહો ખૂબ જ પસંદ કરી રહ્યાં છે જેથી આ વિસ્તારમાં સિંહોની ચહલ-પહલ અને તેની સંખ્યામાં પણ ચોક્કસ ઉત્તરોઉત્તર વધારો જોવા મળી રહ્યો છે જેની પાછળનું એક માત્ર કારણ આ વિસ્તારમાં જોવા મળતી ઠંડક અને રેવન્યુ વિસ્તારમાં પુરતા પ્રમાણમાં મારણ મળતું હોવાને કારણે રાજુલા રેન્જ અને પીપાવાવની આસપાસ સિંહ હવે મુક્ત રીતે દેખાતા જોવા મળી રહ્યાં છે
આ પણ વાંચો: ગમાણમાં બાંધેલી ગાયોની બાજુમાં આવી ચડ્યા એક સાથે ત્રણ સિંહ, જાણો પછી શુ થયું...
બૃહદ ગીરમાં સિંહોની સંખ્યા વધતા વનવિભાગે શેત્રુંજી રેન્જનો કર્યો ઉમેરો
બૃહદ ગીર વિસ્તારમાં સિંહોની સતત વધતી સંખ્યાને ધ્યાને રાખીને વનવિભાગે શેત્રુંજી નવી રેન્જનું નિર્માણ કર્યું છે. જેમાં લીલીયા રાજુલા જાફરાબાદ તળાજા અને મહુવા વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે જે પૈકી રાજુલા અને જાફરાબાદ રેન્જમાં 50 કરતાં વધુ સિંહો હાલ વસવાટ કરી રહ્યાં છે આ વિસ્તારને સિંહો હવે ખૂબ પસંદ કરી રહ્યાં છે. જેને કારણે આજે સિંહોની સંખ્યા દર વર્ષે રાજુલા-જાફરાબાદ રેન્જમાં સતત વધતી જોવા મળે છે. આ રેન્જમાં રાજુલા નજીક રામપરા ભેરાઈ અને પીપાવાવ વિસ્તારમાં 30 જેટલા સિંહોનું એક ગ્રુપ સતત જોવા મળી રહ્યું છે. જે રાત્રિના સમયે શિકાર પર નીકળતાની સાથે પીપાવાવ પોર્ટ પર અચૂક જોવા મળી રહ્યાં છે. પીપાવાવ પોર્ટ પર આ પ્રકારની અવરજવર પાછલા એકાદ વર્ષથી બિલકુલ સામાન્ય બની છે. જેને કારણે કેટલાક સિંહો પીપાવાવ પોર્ટના માર્ગ પર શિકાર કરવાને લઈને આવી જતા હોય છે અને અહીંથી પસાર થતા વાહનચાલકો સિંહનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાઇરલ પણ કરતાં હોય છે