અમદાવાદ: અમદાવાદ તંત્રની બેદરકારીના કારણે રાહદારીઓને હેરાન થવાનો વારો આવ્યો છે. રખડતા ઢોરના કારણે અનેક રાહદારીએ પોતાનો જીવ પણ ગુમાવવો પડ્યો છે. ગુજરાત હાઇકોર્ટે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફટકાર બાદ ઢોર નિયંત્રણ માટે પોલિસી જાહેર કરી હતી. પરંતુ તે પોલીસી માત્ર કાગળ ઉપર જ હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. કારણ કે હજુ પણ અમદાવાદ શહેરના અનેક જાહેર માર્ગ પર રખડતા ઢોર જોવા મળી રહ્યા છે.
'નરોડામાં જે મહિલા રખડતા ઢોરને અડફેટે આવી છે તેની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત તે વિસ્તારના CNDC વિભાગના અધિકારી ને તપાસના આદેશ આપવામા આવ્યા છે. તેમજ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે.' -ભરત પટેલ, સોલિડ વેસ્ટ અને હેલ્થ વિભાગ કમિટીના ચેરમેન
વધુ એક મહિલા અડફેટે: અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં આજે વહેલી સવારે વર્ષાબેન પંચાલ પોતાના ઘરે ફરી રહ્યા હતા. તે સમયે નરોડા ખાતે આવેલ જ્ઞાન સરોવર એપાર્ટમેન્ટની બાજુમાં એક ગાયે અડફેટે લેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને નજીકની સેલ્બી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની ઈજા એટલી ગંભીર હતી તે કે તેમના ફેફસાની બંને પાંસળીઓ તૂટી ગઈ છે. ફેફસું પણ દબાઈ ગયું હોવાથી હાલમાં શ્વાસ લેવામાં તકલીફ હોવાને કારણે આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે.
1181 જેટલા ઢોર પકડ્યા: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલુ માસ દરમિયાન કુલ 1181 જેટલા ઢોર પકડાયા છે. જેમાંથી 96 જેટલા ઢોરને છોડવામાં આવ્યા છે. જેમાં ચાલુ માસ દરમિયાન કુલ 5,87,148 નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઢોર નિયંત્રણ પોલિસી અમલમાં મૂકવામાં આવી છે. જેમાં હજુ સુધી માત્ર 260 જેટલા જ ઢોરનું રજીસ્ટ્રેશન થયું છે. રજીસ્ટ્રેશન ઢોરના માલિકની સંખ્યા પણ હજુ 56 સુધી પહોંચી છે. તેમની પોલીસી પણ માત્ર કાગળ ઉપર હોય તેવું જ જોવા મળી રહ્યું છે.
2139 જેટલી ફરિયાદો: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યાર સુધી કુલ 2139 જેટલી રખડતા ઢોર પર ફરિયાદ કરવામાં આવી છે. જેમાંથી 39 જેટલી એફઆઇઆર કરવામાં આવી છે. 722 જેટલી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત જાહેર રસ્તા ઉપર ઘાસચારાની વ્યવસ્થા હોય તેવા લોકો સામે 62 જેટલી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આંકડા બતાવવામાં આવી રહ્યા છે. પરંતુ શહેરના રસ્તા ઉપર હજુ પણ રખડતા ઢોરનો ત્રાસ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે.