ગાંધીનગર: કોંગ્રેસના વધુ એક નેતાએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે. વિજાપુરથી કોંગ્રેસના ધારાસભ્ય અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા સી.જે.ચાવડાએ આજે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. આજે તેમણે ગાંધીનગર ખાતે ગુજરાત વિધાન સભાના અધ્યક્ષ શંકર ચૌધરીના નિવાસ સ્થાને જઈને પોતાનું રાજીનામું આપ્યું હતું. મહત્વપૂર્ણ છે કે, આ પહેલાં વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું હતું, ચાવડાના રાજીનામા બાદ હવે ગુજરાત વિઘાનસભામાં કુલ 179 ધારાસભ્ય રહ્યાં છે.
સી.જે.ચાવડાના રાજીનામાં પર પ્રતિક્રિયા આપતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, હજી આવનારા સમયમાં કોંગ્રેસના અન્ય નેતાઓ પણ રાજીનામા આપી શકે છે. હાર્દિકે ઉમેર્યુ હતું કે, કોંગ્રેસ રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાનું આમંત્રણનો અસ્વીકાર કરી રહી છે અને તેના કારણે કોંગ્રેસમાં રહેલા સાચા રામ ભક્તો દુ:ખી છે તેથી તેઓ કોંગ્રેસ સાથે છેડો ફાડી રહ્યાં છે.