અમદાવાદ ડેસ્ક: વિશ્વના પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી એવા અમદાવાદના આંગણે G20 અંતર્ગત યોજાવા જઈ રહેલી બે દિવસીય U20 મેયરલ સમિટના પ્રથમ દિવસે દેશ-વિદેશથી પધારેલા ડેલીગેટ્સે 'હેરિટેજ વોક' દ્વારા અમદાવાદનો ઐતિહાસિક વારસો નિહાળ્યો હતો.
વિવિધ સ્થળોની મુલાકાત: કાલુપુર સ્વામિનારાયણ મંદિર ખાતે સૌ આમંત્રિતોનું પરંપરાગત નૃત્યો અને વાદ્યોના તાલે સ્વાગત કરવામાં આવ્યું હતું. શહેરના કિરીટ પરમાર દ્વારા સૌ મહેમાનોને આવકારવામાં આવ્યાં હતા. તથા હેરિટેજ વોક અને તેના મહત્વ અંગે ટૂંકમાં માહિતગાર કરવામાં આવ્યા હતા. કાલુપુર સ્વામિનારાયણ મંદિરથી શરૂ થઈને જામા મસ્જિદ સુધીની હેરિટેજ વોક દરમિયાન ડેલીગેટ્સે 22 જેટલા ઐતિહાસિક વારસાની ધરોહર સમાં વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી.
ઐતિહાસિક મહત્વથી અવગત: કાલુપુર સ્વામિનારાયણ મંદિર, કવિ દલપતરામ ચોક, કેલિકો ડોમ, લંબેશ્વરની પોળ, દોશીવાડાની પોળ, ઝવેરીવાડ, અષ્ટાપદજી દેરાસર, હરકુંવર શેઠની હવેલી, ફર્નાન્ડીસ પુલ, માણેક ચોક, રાણીનો હજીરો, જામા મસ્જિદ સહિતના સ્થળોની મુલાકાત લઈને દેશ-વિદેશથી પધારેલા મહેમાનોએ હેરિટેજ ઈન્ફ્રાસ્ટ્રકચર, ધર્મસ્થાનો, કોતરણી કામ, પોળ, ઓટલા, ચબૂતરા સહિત વિવિધ સ્થાપત્યોને નિહાળ્યા હતા. અંગ્રેજી ભાષાના જાણકાર ગાઈડ્સ દ્વારા મહેમાનોને ત્રણ ટુકડીઓમાં સમગ્ર હેરિટેજ રૂટના સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વથી અવગત કરાવવામાં આવ્યાં હતા.
ગાંધીનગરની લીલા હોટલ: 7 અને 8 જુલાઈના રોજ અમદાવાદ શહેરમાં U20 G 20નું આયોજન કરવામાં આવ્યું હતું. પંરતુ શહેરમાં વરસાદની આગાહી હોવાના કારણે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આ સમિટ આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ તેમજ શહેરી બાબતોના રાજ્ય પક્ષના પ્રધાનમંત્રી કૌશલ કિશોર દ્વારા આ સમિટ ઉદઘાટન કરવામાં આવશે. તેમજ અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમાર દ્વારા તમામ આવનાર મહેમાનોનું સ્વાગત ગાંધીનગર ની લીલા હોટલ ખાતે કરશે.