- સસ્તાની લાલચ આપીને થઇ છેતરપીંડી
- ફેસબુકમાં જાહેરાત આપીને કરી છેતરપીંડી
- ભુજથી 2 આરોપીને સાયબર ક્રાઈમે ઝડપ્યા
અમદાવાદ: ફેસબુકમાં બજાર કરતા સસ્તા ભાવે ડ્રાય ફ્રુટની જાહેરાત મુકીને મહિલા પાસેથી ડિલિવરી માટેના એડવાન્સ નાણાં લઈને ડિલિવરી ના આપીને મહિલા સાથે છેતરપીંડી કરી હતી. જે મામલે ગુનો નોધીને સાયબર ક્રાઈમે 2 આરોપીની ધરપકડ કરી છે. મહિલાએ ફેસબુક પર જાહેરાત જોઈ હતી. જેમાં બજાર ભાવ કરતા ડ્રાય ફ્રુટ અંગેની જાહેરાત હતી. જેથી મહિલાએ જાહેરાતમાં લખેલા નંબર પર ફોન કર્યો હતો. ત્યારે સામે રહેલી વ્યક્તિએ જણાવ્યું હતું કે, તેઓ મુદ્રા પોર્ટથી બોલે છે અને કસ્ટમમાં સસ્તા ભાવે ડ્રાય ફ્રુટ મળે છે, જેથી સસ્તા ભાવે આપે છે. મહિલાએ વિશ્વાસ કરીને 50 કિલો કાજુ અને 10 કિલો બદામનો ઓર્ડર આપ્યો હતો.
કેવી રીતે મહિલા છેતરાઈ?
મહિલાના ઓર્ડર સામે ગઠીયાઓએ 30,000 કુલ બિલની સામે અડધા પૈસા માંગ્યા હતા. જેથી મહિલાએ 6000 ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં મહિલાને વધુ વિશ્વાસમાં લેવા એક વ્યક્તિએ ડ્રાઈવર તરીકે મહિલાને ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે, તમારા ડ્રાયફ્રુટ લઈને નીકળ્યો છું રાત સુધીમાં પહોચી જઈશ. જેથી મહિલાએ બીજા 6850 પૈસા મોકલ્યા હતા. બાદમાં ઓર્ડર લેનાર અને ડ્રાઈવર બંનેએ ફોન ઉપાડવાના બંધ કરતા મહિલાને પોતાની સાથે થયેલ છેતરપીંડીની જાણ થઇ હતી.
સાયબર ક્રાઈમે ભુજથી આરોપીને ઝડપ્યા
સમગ્ર મામલે મહિલાએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોધાવી હતી. જેથી સાયબર ક્રાઈમે પ્રતાપસિંહ જાડેજા અને હાજી પિંજારાની ધરપકડ કરી હતી. આ બંને આરોપીઓએ અમદાવાદના 4 લોકોને આ રીતે છેતર્યા છે. તેમજ સસ્તા ભાવે ટાયરની પણ આ પ્રમાણે જાહેરાત મુકેલી હોવાનું સામે આવ્યું છે. હાલ સમગ્ર મામલે સાયબર ક્રાઈમે બંને આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.