અમદાવાદ: સોશિયલ મીડિયાના યુગમાં ટેકનોલોજીના ઉપયોગની સાથે દુરુપયોગ પણ વધતા જોવા મળી રહ્યા છે. તેમાં પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાણીતા વ્યક્તિઓની ફેક પ્રોફાઈલ બનાવી તેના પરિચિત લોકો પાસેથી પૈસા પડાવી છેતરપિંડી આચરવામાં આવતી હોય તે પ્રકારની અનેક ઘટનાઓ સામે આવી છે. તેમાં IAS-IPS તેમજ અન્ય અધિકારીઓ કર્મચારીઓના સોશિયલ મીડિયામાં એકાઉન્ટ ફેક બનતા હોય છે. જેને અટકાવવા માટે રાજ્ય સરકારે એક ખાસ એડવાઈઝરી જાહેર કરાઈ છે.
શુ ધ્યાન રાખવું: જે મુજબ સોશિયલ મીડિયા પ્રોફાઈલ કે એકાઉન્ટને વેરીફાઈ કરાવી બ્લુ ટીક મેળવવું જોઈએ. જેથી ફેક પ્રોફાઈલને ઝડપથી ઓળખી શકાય. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેક પ્રોફાઈલ બનતી અટકાવવા માટે જે તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરની પ્રોફાઈલ લોક રાખવી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરની પ્રોફાઈલ જાહેરમાં પબ્લિક જોઇ શકે તેમ ન રાખતા ઓન્લી ફ્રેન્ડ્સ જોઈ શકે તે પ્રકારની પ્રાઇવસી સેટિંગ રાખવી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરની પ્રોફાઈલ પર આવતી ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરતા પહેલા તે એકાઉન્ટની ખરાઈ કર્યા બાદ જ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવી. સોશિયલ મીડિયા એકાઉન્ટના પાસવર્ડ સ્ટ્રોંગ રાખવા જોઈએ. તેમજ સમયાંતરે બદલવા જોઈએ.અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના પાસવર્ડ એક સમાન ન રાખતા અલગ અલગ રાખવા જોઈએ. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પબ્લિક ડિવાઇસ કે અનપ્રોટેક્ટેડ ડિવાઇસમાંથી લોગીન કરવાનું ટાળવું જોઈએ.
લીંક પર ક્લિક ન કરવું: સોશિયલ મીડિયા પ્રોફાઈલમાં આવતી જાહેરાત અને શંકાસ્પદ લીંક કે જાહેરાતની લીંક પર ક્લિક ન કરવું જોઈએ. સોશિયલ મીડિયા પ્રોફાઈલના લોગીન નોટિફિકેશન ઓન રાખવા જોઈએ, જેથી અનઅધિકૃત રીતે કોઈ અજાણી વ્યક્તિ લોગીન કરે તો તે બાબતે જાણ થાય. મહત્વનું છે કે અત્યાર સુધીમાં રાજ્યના અનેક IPS IAS અધિકારીઓના ફેક એકાઉન્ટ બન્યા હોવાની અને તે એકાઉન્ટ થકી મિત્રો તેમજ પરિચિત લોકોને મેસેજ કરી સામાન્ય રકમ માંગી છેતરપિંડી આચરવામાં આવતી હોવાની ઘટના બની છે. તેવામાં હવેથી આ એડવાઈઝરી મુજબ તમામ અધિકારીઓએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ રાખવા જરૂરી છે.