અમદાવાદ: રામોલ પોલીસને જાગૃત નાગરિકે જાણ કરી હતી, જેમાં વસ્ત્રાલમાં તનમન ભાજીપાવ સામે એક વ્યક્તિ દ્વારા હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોય જેથી પોલીસે તપાસ કરી ત્યાંથી ત્રણ કેસિસ કબજે કર્યા હતા. ખાનગી રાહે પોલીસે તપાસ કરતાં મહેન્દ્રા થાર ગાડીના ચાલક દ્વારા ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા હોય, જેથી આ બાબતે ગાડીના નંબરના આધારે ઓઢવમાંથી સુરેશ રામચંદ્ર પાંડે નામના 43 વર્ષીય શખ્સની ધરપકડ કરવામાં આવી છે.
નિવૃત આર્મી હવાલદારઃ આ મામલે આરોપીની પૂછપરછ કરતા તે ઇન્ડિયન આર્મીમાંથી માર્ચ 2023 માં હવાલદાર તરીકે નિવૃત્ત થયો હોય અને ડોડા ડિસ્ટ્રીક જમ્મુ એન્ડ કાશ્મીર ખાતેથી સેલ્ફ ડિપેન્ડેડ એન્ડ સર્વિસ પર્પઝથી હથિયારનું લાયસન્સ ધરાવતો હોય આ લાયસન્સના આધારે પિસ્ટલ લીધી હતી. પોતાના પરિવાર સાથે કાર લઈને રાતના સમયે રામોલ વસ્ત્રાલ તનમન ભાજીપાઉ સામે નાસ્તો કરવા માટે ગયો હતો અને ત્યાં તેની દીકરી કોઈ ટુ-વ્હીલર ઉપર હાથ રાખીને ઉભી હોય જેથી ટુ-વ્હીલરના ચાલક સાથે બોલાચાલી થઈ હતી.
"આ અંગે જાગૃત નાગરિક દ્વારા જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે સ્થળ ઉપરથી ફાયરિંગના પુરાવા એકત્ર કરી ગાડી નંબરના આધારે આરોપીની ધરપકડ કરી છે. આરોપી નિવૃત્ત આર્મીમેન છે હવે તેની પાસેથી હથિયાર સહિતની વસ્તુઓ કબજે કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે"--સી.આર રાણા (રામોલ પોલીસ સ્ટેશનના પીઆઇ)
ત્રણ રાઉન્ડ હવામાં: વધારે માણસો ભેગા થઈ જતા તેણે પોતાની કારમાં બેસીને લોકોના જીવ જોખમમાં મૂકી તેઓને ડરાવવાના ઇરાદે જાહેરમાં પોતાની લાઇસન્સ વાળી પિસ્ટનમાંથી ત્રણ રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું. ત્યાંથી ફરાર થઈ ગયો હતો.આ સમગ્ર મામલે રામોલ પોલીસે આરોપી સામે આર્મસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ફાયરિંગ કરેલી પિસ્ટલ તેમજ ત્રણ કેસિસ અને હથિયારનું લાયસન્સ અને ગુનામાં વપરાયેલી ગાડી સહિત 16.50 લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપીની વધુ તપાસ શરૂ કરી છે.