- 4.3 ટકા લોકોને દારૂની છે ટેવ
- દારૂ પીવાની ટેવમાં ગુજરાત રાજસ્થાનથી પણ આગળ
- 2019ના એઇમ્સના સર્વેમાં સામે આવ્યા આંકડા
ન્યૂઝ ડેસ્ક: વર્ષોથી ગુજરાતને ડ્રાયસ્ટેટ જાહેર કરવામાં આવ્યું છે તેમ છતાં કેન્દ્ર સરકારે સ્વીકારે છે કે રાજ્યમાં 19 લાખ લોકોને દારૂ પિવાની લત છે. રાજ્યસભામાં પુછાયેલા ગુજરાતમાં દારૂ પીવા અંગેના એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય પ્રધાન એ. નારાયણસામીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં 4.3 ટકા લોકોને દારૂની લત છે અને જો આંકડા પ્રમાણે જોવા જઇએ તો ગુજરાતને 19,53,000 લોકોને દારૂ પીવાની લત છે. આ આંકડા કેન્દ્રીય પ્રધાને 2019માં એઇમ્સ દ્વારા કરવામાં આવેલા નેશનલ ડ્રગ્સ યુઝના એક સર્વેના આધારે જણાવ્યા છે.
ગુજરાતે, રાજસ્થાન અને બિહારને પાછળ મુક્યા
ગુજરાતમાં દારૂની પીનારા લોકોની સંખ્યા રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર અને બિહારથી વધારે છે. ગુજરાતમાં જ્યાં 4.3 ટકા લોકોને દારૂની લત છે જ્યારે રાજસ્થાનમાં 2.3 ટકા, જમ્મુ-કાશ્મીરમાં 4 ટકા અને બિહારમાં 1 ટકા લોકો દારૂ પીવાની ટેવ ધરાવે છે. જો સમગ્ર દેશની વાત કરીએ તો દેશમાં 17.1 ટકા લોકોને દારૂ પીવાની ટેવ છે.
6 લાખથી વધુ લોકો કરે છે અફીણનો નશો
આ ઉપરાંત ગુજરાતની 1.46 ટકા વસ્તી એટલે કે 6.64 લાખ લોકો અફિણનો, 1.38 ટકા એટલે કે 6.28 લાખ સિડટિવ્સનો અને 0.8 ટકા એટલે કે 3.64 લાખ લોકો ગાંજો લે છે. સર્વેમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગુજરાતમાં કોકેન, ઍમ્ફેટમીન અને હલૂસિનજનનો વપરાશ થતો નથી. જો કે આ સર્વેમાં તંબાકુના બંધાણી અંગે કોઇ માહિતી આપવામાં આવી નથી.