આગામી 10, 11 અને 12 મેના રોજ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં પવનની ગતિ 30થી 40 કિમી પ્રતિ કલાકની રહેશે, વીજળીના ચમકારા અને ભારે પવન સાથે વાવાઝોડાની આગાહી હોવાને કારણે તાપમાનનો પારો 3થી 4 ડિગ્રી ઘટશે અને ગરમીથી રાહત મળશે.
તારીખ 10 મે બનાસકાંઠા, રાજકોટ, કચ્છ તારીખ 11 મે બનાસકાંઠા, પાટણ, રાજકોટ, અમરેલી અને 12 મે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી અને સુરેન્દ્રનગરમાં પણ વોર્નિંગ આપવામાં આવી છે. પાકિસ્તાન તરફથી ફુંકાતા પવનોની અસર થવાને કારણે ગુજરાતના હવામાનમાં મોટાપાયે ફેરફાર નોંધાશે, જેના કારણે અમદાવાદ સહિત દરેક શહેરોમાં તાપમાનમાં ગરમીનો પારો ઘટશે અને લોકોને અસહ્ય ગરમીથી રાહત મળશે.
આગામી 48 કલાકમાં ગરમીથી રાહતની આગાહી સામે આજરોજ અમદાવાદ શહેરનું તાપમાન 41.3 ડિગ્રી નોંધાયું હતું અને રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. સુરેન્દ્રનગર, ગાંધીનગર અને અમરેલીનું તાપમાન 40 ડિગ્રી નોંધાયું હતું. રાજકોટનું તાપમાન 40.8 અને કંડલાનું તાપમાન 40.6, વડોદરા અને ડીસા શહેરનું તાપમાન 40.2 ડિગ્રી નોંધાયું હતું. આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો નોંધાશે અને લોકોને ગરમીથી રાહત મળશે.