નવરંગપુરાના સીજી રોડ પરના પીજીમાં યુવકે મોડી રાતે ઘૂસીને વોર્ડનને શારીરિક અડપલા કર્યા હતા. જેના 4 દિવસ બાદ મહિલા દ્વારા આ મામલે ફરિયાદ નોધાવવામાં આવી છે. પોલીસે આ મામલે 354-1A,354-2A અને 452 કલમ હેઠળ ગુનો નોધ્યો છે. પીડિત મહિલાના નિવેદન બાદ પોલીસ દ્વારા ફરિયાદ નોધવામાં આવી છે. આ મામલે કુલ 6 ટીમ બનાવી નવરંગપુરા પોલીસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ સંયુક્ત તપાસ કરશે.
મહત્વની વાત એ છે કે રહેણાંક વિસ્તારમાં આટલું મોટુ પીજી ચાલતું હતું. જેનો સ્થાનિકોએ અગાઉ પણ વિરોધ કર્યો હતો. છતાં પણ પીજી માલિક પીજી ચલાવતો હતો અને અચાનક આવી શરમજનક ઘટના બની છે. પીજી માલિક એક યુવતીના રૂપિયા 8000 મહિને ભાડા પેટે લેતો હતો. જે પીજીમાં કુલ 60થી વધુ યુવતીઓ રહેતી હતી. પીજી માલિકની પણ આ મામલે બેદરકારી કહી શકાય. પરંતુ, પોલીસે માત્ર પૂછપરછ કરી પીજી માલિકને છોડી મુક્યો છે અને તેની સામે કોઈ કાયદાકીય કાર્યવાહી કરી નથી.