અમદાવાદ: દસ વર્ષ પહેલાં 2009માં અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં થયેલા લઠ્ઠાકાંડમાં સંડોવાયેલા 23 પૈકી 10 આરોપીઓને ગુરુવારે એડિશનલ સેશન્સ જજ ડી.પી. મહિડાએ દોષિત જાહેર કરી સજા ફટકારી છે. ન્યાયધીશ ડીપી મહિડાએ લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી વિનોદ ઉર્ફે ડાગરી ચૌહાણને 10 વર્ષ અને અરવિંદ તળપદાને 7 વર્ષની આકરી સજા ફટકારી છે. જ્યારે આજ ગુનામાં સંડોવાયેલી 7 મહિલા આરોપીઓને સાડા ત્રણ વર્ષ અને આરોપી સોમી ઠાકોરને અઢી વર્ષની સજા ફટકારી હોવાની વિગતો સામે આવી છે. આ સમગ્ર લઠ્ઠાકાંડમાં આશરે 150થી વધુ લોકોના મોત નીપજ્યાં હતા.
આ કેસમાં સંડોવાયેલા 23 પૈકી આરોપીઓ પૈકી 12 આરોપીઓને કોર્ટે શંકાનો લાભ આપી છોડી મૂક્યા છે. જ્યારે બીજા બે આરોપીઓ સામે કેસ હજી પડતર હોવાનું માલુમ થયું છે. કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, આરોપીઓ પૈકી બે સામે આઇપીસીની કલમ 304(2) મુજબ અને અન્ય મહિલા આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટની જુદી-જુદી કલમો મુજબ ગુનો સાબીત થાય છે. કોર્ટે અવલોકન કર્યું છે કે, આ પ્રકારની ગંભીર ઘટનામાં 150થી વધુ લોકોના મોત થયા હોવાથી દયા દાખવી શકાય નહીં.
દોષિત આરોપીઓના નામ
- વિનોદ ઉર્ફે ડગરી ચંદુભાઇ ચૌહાણ - 10 વર્ષ જેલની સજા
- અરવિંદ ઉર્ફે ઘનશ્યામ તળપદા - 7 વર્ષ જેલની સજા
- વિમળા અર્જુનભાઇ ચુનારા - 3.5 વર્ષ જેલની સજા
- સુનિતા અશોકભાઇ ચુનારા - 3.5 વર્ષ જેલની સજા
- આશા રાજુભાઇ ચુનારા - 3.5 વર્ષ જેલની સજા
- સુનિતા ઉર્ફે ભુરી મહેશચંદ્ર ચુનારા - 3.5 વર્ષ જેલની સજા
- લતા મનુભાઇ ચુનારા - 3.5 વર્ષ જેલની સજા
- સજન બાબુભાઇ ચુનારા - 3.5 વર્ષ જેલની સજા
- ગંગા ઉર્ફે ગંગા ડોસી બચુભાઇ ચુનારા - 3.5 વર્ષ જેલની સજા
- સોમી મણીલાલ ઠાકોર - 2.5 વર્ષ જેલની સજા
શંકાના આધારે કોર્ટે નિદોર્ષ છોડેલા આરોપીઓ
- ચિરાગ પંકજભાઇ ઠક્કર
- સુનિલ ઘોડુરાવ મોરે
- રાકેશગીરી સત્યભુષણગીરી ગોસ્વામી
- દિલીપ કુરજીભાઇ પટેલ
- સુભાષગીરી સીતારામગીરી ગોસ્વામી
- દશરથ ફુલાભાઇ તળપદા
- પરસોત્તમ અરજણભાઇ પરમાર
- લીલા સુરેશભાઇ ચુનારા
- સુર્યા કાળીદાસ ચુનારા
- સુનિલ નારણભાઇ પંચાલ
- રણજીતસિંહ રામસિંહ ડાભી
- બળદેવભાઇ કુરશી રબારી
- બે આરોપીઓનો કેસ અલગ ચાલુ
- જયેશ હિરાલાલ ઠક્કર (લુહાણા)
- યોગેન્દ્ર ઉર્ફે દદુ કિશોરભાઇ છારા
આરોપીઓની સજા અંગે સ્પે. સરકારી વકીલ અમિત પટેલે કોર્ટમેાં દલીલ કરી હતી કે, આ ગંભીર પ્રકારનો ગુનો છે. કાગડાપીઠમાં 24 લોકોના ઝેરી દારૂ પિવાને કારણે મોત થયા હતા જ્યારે સંખ્યાબંધ લોકોને શરીરમાં ખામી થઇ હોવાથી દોષિત જાહેર કરેલા આરોપીઓને પુરે પુરી સજા થવી જોઇએ અને જુદી જુદી કલમ હેઠળ દોષિત ઠરેલા આરોપીઓને અલગ અલગ સજા ભોગવવાનો કોર્ટે આદેશ કરવો જોઇએ. બીજો આરોપી વિનોદ તો ફરાર થઇ ગયો હતો તે મુદ્દો કોર્ટે ધ્યાને લઇ સખતમાં સખત સજા કરવી જોઇએ.
આરોપીઓ તરફે એડવોકેટએ રજૂઆત કરી હતી કે કેટલાક આરોપીઓ તો વર્ષ 2009થી જ જેલની સજા કાપી રહ્યાં છે, તેઓ નિયમિત કોર્ટની ટ્રાયલમાં હાજર રહ્યાં છે, કોર્ટે જે કલમ હેઠળ તેમને દોષિત જાહેર કર્યા છે તેમાં વધુમાં વધુ સજાની જોગવાઇ દસ વર્ષની જ છે. બન્ને પુરૂષ આરોપીઓના ઘરનો આધાર તેઓ એકલા જ છે. તમામને કલમમાં સજા અલગ અલગ ભોગવવાની ન હોય પરંતુ એક સાથે જ સજા ભોગવવાનો કોર્ટે આદેશ કરવો જોઇએ. દરેક વ્યક્તિને જીવનમાં સુધરવાની તક મળવી જોઇએ અને તમામ પાસાને ધ્યાને લઇ કોર્ટે ઓછામાં ઓછી સજા કરવામાં આવે દલીલ કરી હતી..
વર્ષ 2009માં ઓઢવ, કાગડાપીઠ અને બાપુનગર વિસ્તારમાં લઠ્ઠાકાંડ સર્જાયો હતો.જેમાં કાગડાપીઠના કંટોડિયા વાસમાં ઝેરી દારૂ પીવાથી લઠ્ઠાકાંડ સર્જાયો હતો અને તમામ ત્રણ વિસ્તારના કુલ 150થી વધુ લોકોનાં મોત નિપજ્યા હતા. આ કેસના 24 આરોપીઓ પૈકી કોર્ટે 12ને શંકાનો લાભ આપી છોડી મુક્યા છે. જ્યારે 10ને સજા કરી છે તથા 2 સામે હજુ કેસ પડતર છે. એક સાથે 8 મહિલાઓને સજા થઇ હોય તેવી અમદાવાદની આ પ્રથમ ઘટના છે..આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે પોલીસ કર્મચારી સહિત 39થી વધુ લોકોની ધરપકડ કરી ચાર્જશીટ કરી હતી. ત્ કાગડાપીઠ લઠ્ઠાકાંડ કેસમાં ઝડપાયેલા 24 આરોપીઓ સામે સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતા 10ને દોષિત જાહેર કરવામાં આવ્યા છે.