હાઈકોર્ટમાં દાખલ કરાયેલી જાહેરહિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે, પાર્કિંગની સુવિધા ફરજિયાત હોવા છતાં તેનું પાલન કરાતું નથી. બન્સલ મલ્ટી પ્લેક્સ, એક્સ- સ્કવેર, સહિતના વડોદરાના 14 જેટલા મોલ-મલ્ટીપ્લેક્સનું ઉદાહરણ આપી રજૂઆત કરી હતી કે, એક તરફ મોલ-મલ્ટીપ્લેક્સ સંચાલકો પાર્કિંગ ચાર્જ ઉઘરાવે છે. તો બીજી તરફ નવા બની રહેલા મોલ-મલ્ટીપ્લેક્સમાં સુવિધાનો અભાવ હોવા છતાં લાઈસન્સની મંજૂરી આપી દેવાય છે. પાર્કિંગની સુવિધાના અભાવને લીધે જાહેર પ્રજાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાની વિગતો સામે આવી છે.
અગાઉ હાઈકોર્ટમાં પાર્કિંગ ચાર્જ વસુલવા અંગે દાખલ કરાયેલી અરજીની સુનાવણી દરમ્યાન પણ હાઈકોર્ટે પાર્કિંગની સુવિધાના ઉપલબ્ધ કરાવવા અંગે મોલ-મલ્ટીપ્લેક્સ સંચાલકોને ગંભીર ટકોર કરી હતી. બિલ્ડિંગમાં આવતા લોકોને સુવિધા મળી તે માટે પાર્કિંગની સુવિધા અનિવાર્ય છે તેવું કોર્ટે અવલોકન કર્યું હતું.