અમદાવાદ: સમગ્ર રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડમાં મેઘરાજાએ તાંડવ મચાવ્યું હતું. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તારાજીના ભારે દ્રશ્યો સર્જાયાં હતા. ત્યારે હવે ગુજરાતના લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે.
ભારે વરસાદની શક્યતા નહીંવત: હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાત પર કોઈ વરસાદી સિસ્ટમ એક્ટિવ ન હોવાથી ગુજરાતમાં આજથી ભારે વરસાદની શક્યતા નહીંવત છે. જોકે, કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં સિઝનનો 83% વરસાદ નોંધાયો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં સિઝન કરતા 20% વધુ વરસાદ પડ્યો છે.
રાજ્યમાં અત્યાર સુધી 83 ટકા વરસાદ: ભાવનગર અને અમરેલી છુટા છવાયા વરસાદની આગાહી છે. તેમજ કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં સામાન્ય વરસાદની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગરમાં છુટા છવાયા વરસાદની સંભાવના છે. તેમજ રાજ્યમાં અત્યાર સુધી 83 ટકા વરસાદ નોંધાયો છે. તથા સૌરાષ્ટ્રમાં સિઝનના વરસાદ કરતા 20 ટકા વધુ વરસાદ થયો છે. તેમજ ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં સિઝનનો 57 ટકા વરસાદ થયો છે.
માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના: દરિયામાં ભારે પવન ફૂંકાવાની સંભાવનાઓને જોતા ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ 24 જુલાઇ 2023ના રોજ સવારે 6 કલાકે પુરા થતાં 24 કલાક દરમિયાન ભાવનગરમાં સૌથી વધુ 4.72 ઇંચ એટલે કે, 118 મિ.મી વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. જ્યારે રાજ્યના અન્ય 7 તાલુકાઓમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.