અમદાવાદ : ગુજરાતમાં મેઘરાજા ત્રીજા રાઉન્ડમાં ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. જેમાં મુખ્યત્વે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને મેઘાએ ઘમરોળી નાખ્યું છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે હવામાન વિભાગ દ્વારા વધુ એક આગાહી કરવામાં આવી છે. જેમાં સમગ્ર રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
વરસાદનું કારણ : ઇસ્ટ વેસ્ટ ટ્રફ સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે સૌરાષ્ટ્ર સહિત સુરત, વલસાડ, નવસારી, બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે, 24 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી : દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા વધુ એક આગાહી કરવામાં આવી છે. જેમાં સુરત, વલસાડ, નવસારીમાં આગામી ત્રણ દિવસ સુધી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
માછીમારોને ખાસ સુચના : સૌરાષ્ટ્ર પંથકમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં મુખ્યત્વે દ્વારકા, પોરબંદર, જામનગર સહિતના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તેમજ કચ્છમાં અતિભારે વરસાદની વકી છે. જેના પગલે સાવચેતીના ભાગ રૂપે માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદની વકી છે.
સાર્વત્રિક વરસાદ : ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી મેહુલિયો ગુજરાત સહિત દેશભરમાં મન મૂકીને વરસી રહ્યો છે. જેના પગલે રાજ્યમાં અત્યાર સુધીમાં 65 ટકા સુધી વરસાદ વરસી ગયો છે. પરિણામે આગામી સમયમાં પાણીની અછત નહીં સર્જાય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્યથી ભારે વરસાદની સંભાવના છે.