અમદાવાદ: રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાના કેસો વધી રહ્યા છે. નિષ્ણાતો અનુસાર આ વેરિયન્ટની અસર લોકો પર માઇલ્ડ જોવા મળી રહી છે પરંતુ તે લોકોમાં ઝડપથી ફેલાઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવ કેસ નોંધાયા છે. કુલ એક્ટિવ કેસની સંખ્યા 66 પહોંચી ગઈ છે. જ્યારે 13 દર્દીઓ કોરોનાથી મ્હાત આપીને સાજા થયા છે.
કોરોનાથી પાંચ લોકોના મોત: દેશમાં 7 મહિના બાદ ફરી એકવાર કોરોનાએ ઉથલો માર્યો છે. એક જ દિવસમાં 700થી વધુ કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. કોરોનાના નવા વેરિયન્ટ JN.1 ના કેસમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 5 લોકોના મોત થયા છે.
લોકોને સાવચેત રહેવા અપીલ: કોરોનાની સૌથી વધુ અસર દક્ષિણ ભારતના રાજ્યોમાં જોવા મળી રહી છે. દિલ્હીમાં પણ કોરોનાના નવા વેરિયન્ટના કેસ જોવા મળી રહ્યા છે. આરોગ્ય નિષ્ણાતો દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. મોટાભાગના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી. પરંતુ બદલાતા હવામાન વચ્ચે વધતાં જતાં કેસો ક્યાંક ચિંતાનું કારણ બની શકે છે તે માટે લોકોએ સાવચેત અને સલામત રહેવું જરૂરી છે.
'સિવિલ હોસ્પિટલમાં 1200 બેડ હોસ્પિટલની સુવિધા કરવામાં આવી છે. 20 હજાર લીટરની બે ઓક્સિજન ટેન્ક કાર્યરત છે. 550થી વધારે ઓક્સિજન કોન્સન્ટ્રેટર અને વેન્ટિલેટર ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. આ સિવાય તેમણે લોકોને અપીલ છે કે જો શરદી, ખાંસી, તાવ હોય તો પોતાની જાતે દવા ન લેવી.' - રાકેશ જોષી, સુપરિન્ટેન્ડેન્ટ, અમદાવાદ સિવિલ હોસ્પિટલ
એક્ટિવ કેસની સંખ્યા 66: 1 ડિસેમ્બરથી 27 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં કુલ 8,426 કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા, જેમાંથી 99 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોનાનો પોઝિટિવિટી રેટ 0.86% રહ્યો છે. રાજ્યમાં કોરોનાથી સંક્રમિત હાલ 66 એક્ટિવ કેસ છે, જેમાંથી અમદાવાદ કોર્પોરેશનમાં 47, રાજકોટ કોર્પોરેશનના 10, ગાંધીનગર કોર્પોરેશનમાં 4 તેમજ દાહોદ, ગીરસોમનાથ, કચ્છ, મોરબી અને સાબરકાંઠામાં 1-1 કેસ એક્ટિવ છે.