અમદાવાદ: ગુજરાતમાં અને તેમાં પણ ખાસ કરીને અમદાવાદમાં કોરોના વાઈરસની મહામારી વધારે માત્રામાં ફેલાયેલી છે. ત્યારે, આ વાયરસના કારણે થયેલા લોકડાઉનમાં અનેક શૈક્ષણિક સંસ્થાઓ વિધાર્થીઓની પરીક્ષા લઈ શકી નથી.
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા પણ પરીક્ષાઓ લેવા માટે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની ગાઈડ લાઇન પ્રમાણે નવી વ્યવસ્થા અને નવા નિયમો સતત બહાર પાડવામાં આવી રહ્યા છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર નવીન શેઠને પત્ર લખીને પરીક્ષાઓ રદ કરવા બાબતે અને તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા વિનંતી કરવામાં આવી છે.
આ પત્ર તેમણે ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન અને શિક્ષણપ્રધાનને પણ લખ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની જુદી-જુદી 500 જેટલી શૈક્ષણિક સંસ્થાઓમાં 4 લાખ જેટલાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જીટીયુના વિદ્યાર્થીઓમાં ગુજરાતના તેમજ દેશ બહારના વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે.જેથી તમામની પરીક્ષાખંડમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે પરીક્ષા લેવી કોંગ્રેસને અશક્ય લાગે છે.