રાજ્ય સરકાર વતી DCB પોલીસ સ્ટેશન PI ગૌરાંગ પટેલે કથીરિયા વિરુદ્ધ સોગંદનામું રજૂ કરતાં જણાવ્યું કે, તેની વિરુધ્ધ અનેક ગુનાઓ નોંધાયેલા છે અને કોર્ટને બાહેંધરી આપ્યા બાદ પણ ગુના આચરવામાં આવ્યા છે, જેથી કથીરિયાને જામીન આપી શકાય નહીં.
સોગંદનામામાં કથીરિયાના ગુનાહિત ઇતિહાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેમાં ગત વર્ષે 25મી ડિસેમ્બરના રોજ સુરત કલેકટરની પરવાનગી લીધા વગર પાસના કાર્યકર્તાઓ દ્વારા તોડફોડ અને હિંસા કરવામાં આવી હતી. એટલું જ નહીં કથીરિયાએ અગાઉ ટ્રાફિક કોન્સ્ટેબલ જોડે ગાળાગાળી કરી હતી અને તેને ચોર ગણાવી કોન્સ્ટેબલ સાથે મારપીટ કરી હોવાનો પણ એફિડેવિટમાં ઉલ્લેખ કર્યો છે.
આ સમગ્ર ઘટના બાદ ઉશ્કેરાયેલા કથીરિયાએ વરાછા પોલીસ સ્ટેશનમાં જઇ PI સાથે પણ અભદ્ર વર્તન કર્યું હતું. ત્યારબાદ હિંસાત્મક વર્તન નોંધવામાં આવ્યું હતું. કથીરિયાના ભડકાઉ નિવેદનથી સોશિયલ મીડિયા અને શહેરની શાંતિ જળવાતી નથી. અગાઉ સમગ્ર ઘટનામાં સુરત સેશન્સ કોર્ટે અલ્પેશના જામીન રદ્દ કરવાનો ચુકાદો આપ્યો હતો. જો કે, તેની સામે અલ્પેશ દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામા આવી હતી.
જો કે, હવે પોલીસ સાથે ઘર્ષણના કેસમાં અલ્પેશની ધરપકડ કરવામા આવી છે, જેથી હવે સંજોગો બદલાયા છે. બદલાયેલા સંજોગોને ધ્યાને લઈ કાયદા મુજબ તેને સેશન્સ કોર્ટમાં જામીન અરજી ફાઈલ કરવા હાઈકોર્ટે આજે કહ્યું છે અને સુરત સેશન્સ કોર્ટે અરજી ફગાવી દેતા જામીન માટે ફરીવાર હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.