ગાંધીનગર: દિલ્લીમાં તબલીગી જમાતના લોકો દ્વારા યોજવામાં આવેલા ધાર્મિક કાર્યક્રમમાંથી ગુજરાતમાં 200 જેટલા લોકો પરત ફર્યા છે અને 9 જેટલા કેસ પોઝિટિવ આવ્યા હોવાથી હાઇકોર્ટે આ મુદ્દે લીધેલી સુઓ મોટો પર રાજ્ય સરકારને કેટલા લોકો અહીં આવ્યા અને તેમની સામે શુ પગલાં લેવામાં આવ્યા એ મુદ્દે રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો છે.
આ મામલે વધુ સુનાવણી 3જી એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે.હાઇકોર્ટે રાજ્ય સરકારને દિલ્હી સરકાર પાસેથી વિગતો લઈ જમાતે તબલીખના ધાર્મિક કાર્યક્રમમાંથી કેટલા લોકો પરત આવ્યા અને કેટલા લોકો પોઝિટિવ છે. જ્યારે કેટલાને હોમ ક્વોરન્ટટાઇન કરાયા વગેરેની વિગત રજૂ કરવાનો આદેશ કર્યો હતો.
અગાઉ રાજ્યમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસની વધતી સંખ્યા વચ્ચે ડોકટર્સ, નર્સ સહિત મેડિકલ સ્ટાફને ચેપ ન લાગે તેના માટે અત્યંત જરૂરી પર્સનલ પ્રોટેકટિવ ઇકવીપમેન્ટના અભાવના ભાગરૂપે હાઇકોર્ટમાં દાખલ કરાયેલી જાહેરહિતની અરજી મુદ્દે શુક્રવારે રાજ્ય સરકાર તરફે સોગંદનામું રજૂ કરતા જણાવાયું હતું કે, રાજ્ય સરકાર પાસે વર્તમાન તબબકે કુલ 37, 844 જેટલી પર્સનલ પ્રોટેકટિવ કીટ ઉપલબ્ધ છે અને વધારાના સ્ટોકને ખરીદવાના આદેશ પણ આપવામાં આવ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા હાઇકોર્ટમાં રજૂ કરાયેલા સોગંદનામામાં જણાવવામાં આવ્યું છે કે 1લી ફેબ્રુઆરી 2020 સુધીમાં તેમની પાસે 59,647 N-95 માસ્ક, 8.41 ટ્રિપલ લેયર માસ્ક, ઉપલબ્ધ છે જ્યારે બાદમાં 1.25 લાખ N-95 માસ્ક અનેં 20 લાખ ટ્રિપલ લેયર માસ્ક લાવવામાં આવ્યા હતા.
કોરોના વાઇરસની સારવાર માટે વરિષ્ઠ મેડિકલ અધિકારીઓએ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે 61 જેટલી બેઠકો યોજી 3700 જેટલા પ્રાઇવેટ મેડિકલ ડોકટર અને સ્ટાફને ટ્રેનિંગ આપી હતી. કોરોના વાઈરસ સામે અમદાવાદ સિવિલ હોસ્પિટલને બેઝ હોસ્પિટલ માનવામાં આવે છે અને તેના સિવાય પણ અન્ય સરકારી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે.
કોરોના વાઈરસ વધુ ન ફેલાય તેના માટે " ધી ગુજરાત એપિડેમીક ડીસીઝ, કોવિડ-19 રેગ્યુલેશન 2020" અને અન્ય કાયદાકીય નિયમો હેઠળ જ્યાં કોરોના ફેલાયો હોય ત્યાંના વિસ્તારની સીમાને સીલ કરી લોકોની અવર-જવર અટકાવવા સહિત તમામ પ્રકારના પગલાં લીધા છે.
અરજદાર દ્વારા હાઇકોર્ટમાં દાખલ કરાયેલી જાહેરહિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે વિકસિત દેશો કરતા વિકાસશીલ દેશોમાં પર્સનલ પ્રોટેક્ટિવ કીટની અછત છે અને તેને લીધે દર્દીની સારવાર કરતા ડોક્ટરોને અને મેડિકલ સ્ટાફને કોરોનાનો ચેપ લાગવાની સંપૂર્ણ શકયતા છે. ભારતમાં પાંચ લાખ જેટલી પર્સનલ પ્રોટેકટિવ કીટની જરૂર છે. અરજદારે દાવો કર્યો છે કે ભારત સરકાર પાસે પુરતી સંખ્યામાં પર્સનલ પ્રોટેકટિવ કીટ નથી, જેથી ડોક્ટરોના જીવને જોખમ થઈ શકે છે.