અમદાવાદઃ પીસીબીની ટીમ દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃ્તિઓને ડામવા માટે કામ કરે છે. આ સંદર્ભે પીસીબી દ્વારા બાતમીના આધારે ગોમતીપુર રાજપુરમાં મરિયમ બીબી ચાર રસ્તા નજીક ગુલામ નબીની ચાલીમાં કુમકુમ રેસ્ટોરન્ટ નામની દુકાનમાં દરોડા પાડ્યા હતા. દરોડમાં જુગાર રમતા આઠ રંગે હાથે ઝડપાયા હતા. જેમાં હુસેન ઉર્ફે બટકા શેખ, દેવેન્દ્ર કુમાર, યોગેન્દ્ર મકવાણા, ભરત પરમાર, મહેશ વાઘેલા, ઓલવીન રાઠોડ, કેતુલ સામેત્રીયા અને શૈલેષ પરમારનો સમાવેશ થાય છે. રોકડ રૂપિયા 61,000 તેમજ 9 મોબાઈલ ફોન અને એક ટુ વહીલર સહિત કુલ 1,47,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
આ ઘટનાની ચકચારનું મુખ્ય કારણઃ ગુજરાતમાં શ્રાવણ મહિનામાં જુગાર રમાતો જોવા મળે છે. સામાન્ય લોકો ઉપરાંત અગ્રણીઓ, નેતાવર્ગ પણ શ્રાવણિયો જુગારની મહેફીલ માણતા જોવા મળે છે. આજે કૉંગ્રેસના પૂર્વ કોર્પોરેટર જુગાર રમતા ઝડપાયા છે. આ સમાચારથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. આ દરોડાની અત્યંત ચકચાર મચી ગઈ છે. જેનું મુખ્ય કારણ છે કે દરોડામાં ઝડપાયેલ આરોપીઓમાં એક માજી કોર્પોરેટર પણ છે. આ કોર્પોરેટર ગોમતીપુર વોર્ડના હતા. દેવેન્દ્ર કુમાર ઉર્ફે ટીનો ગોમતીપુર વોર્ડના માજી કૉંગ્રેસ કોર્પોરેટર હતા.
પીસીબીની કાર્યવાહીઃ પીસીબી દ્વારા ગોમતીપુર પોલીસ મથકે ગુનો દાખલ કરાયો અને આગળની કાર્યવાહી ગોમતીપુર પોલીસને સોંપવામાં આવી છે. ગોમતીપુર વોર્ડના ભૂતપૂર્વ કોર્પોરેટર વિરૂદ્ધ જ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે તો પોલીસ શું કાર્યવાહી આગળ કરશે તે જોવું રહ્યું.