અમદાવાદ : અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે જમ્મુ કાશ્મીરથી મહાઠગ કિરણ પટેલની ટ્રાન્સફર વોરંટથી કસ્ટડી મેળવીને પૂછપરછ હાથ ધરી છે. વડાપ્રધાન કાર્યાલયમાં ઉચ્ચ હોદ્દા ઉપર હોવાનું જણાવીને કિરણ પટેલે જમ્મુ કાશ્મીરમાં ઝેડ પ્લસ સિક્યુરિટી મેળવી હતી અને અલગ અલગ IAS IPS અધિકારીઓ સાથે મીટીંગો કરીને અનેક પ્રોજેક્ટ અંગે ચર્ચાઓ કરી હતી. આ પ્રકારની કરતૂતોમાં કિરણ પટેલ દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા સાથે ચેડાં થયાં હોવાથી દેશદ્રોહ જેવો ગંભીર ગુનો નોંધાઇ શકે છે.
દેશદ્રોહનો ગુનો : કિરણ પટેલે ન માત્ર જમ્મુ કાશ્મીર પરંતુ ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓ પર પોતે પોતાની ઓળખ વડાપ્રધાન કાર્યાલયના એડિશનલ ડાયરેક્ટર તરીકેની આપીને અનેક લોકોને પોતાને ઠગાઈનો શિકાર બનાવ્યાં છે. ત્યારે આગામી દિવસોમાં કિરણ પટેલ સામે દેશદ્રોહ જેવો ગંભીર ગુનો નોંધાઈ શકે છે.
આ પણ વાંચો Fake PMO Kiran Patel Case: પાંચ મોટા ગુના અંતર્ગત કિરણ પટેલની થશે તપાસ
શા માટે દેશદ્રોહનો ગુનો : કિરણ પટેલ પોતે કોઈપણ સરકારી અધિકારી ન હોવા છતાં પણ ઉચ્ચ હોદ્દા પર હોવાની ઓળખ આપીને સરકાર સાથે અને જમ્મુ કાશ્મીર પોલીસ સાથે ઠગાઈ હાજરી હોય ત્યારે તેની સામે દેશદ્રોહ જેવો ગુનો દાખલ કરવામાં આવી શકે છે. જેથી આવનારા દિવસોમાં કિરણ પટેલની મુશ્કેલીઓમાં ચોક્કસથી વધારો થઈ શકે છે.
આ રીતે ભેદાઇ કિરણ પટેલની માયાજાળ : થોડાક દિવસ પહેલા જમ્મુ કાશ્મીર પોલીસને સેન્ટ્રલ આઈબી દ્વારા રિપોર્ટ મળ્યો હતો, જેમાં જમ્મુ કાશ્મીરમાં જે વ્યક્તિ વડાપ્રધાન કાર્યાલયમાંથી કાશ્મીરના વિકાસ માટે આવ્યો છે તે બોગસ વ્યક્તિ હોવાનો ખુલાસો કરવામાં આવ્યો હતો. જે મામલામાં જમ્મુ કાશ્મીર પોલીસે તપાસ કરી હતી અને અંતે કિરણ પટેલ નામનો જે વ્યક્તિ જમ્મુ કાશ્મીરમાં સરકારી ઓફિસર બનીને ફરતો હતો તે નકલી હોવાનો ખુલાસો થતા તેની સામે કાશ્મીરમાં ઠગાઈનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરીને રિમાન્ડ મેળવ્યા હતા અને રિમાન્ડ પૂર્ણ થતા તેને જેલહવાલે કર્યો હતો. જે બાદ એક બાદ એક કિરણ પટેલને લઈને ખુલાસો સામે આવ્યા હતાં.
ભાડાનું ઘર પચાવી પાડવાનો કારસો : અમદાવાદના ઘોડાસરમાં જે ઘરમાં કિરણ પટેલ તેની પત્ની સાથે રહેતો હતો, તે પણ તેણે પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હોય અને છેલ્લા ચાર વર્ષથી ઘરનું ભાડું ન ભર્યું હોય તે પ્રકારની હકીકતો સામે આવી હતી. સાથોસાથ તેણે સોશિયલ મીડિયા ઉપર પણ પોતાની ઓળખ ઉચ્ચ અધિકારી તરીકેની આપીને અનેક વિડીયો અને ફોટો પોસ્ટ કર્યા હતાં.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી : આ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના DCP ચૈતન્ય મંડલીકે જણાવ્યું હતું કે હાલ તેની છેતરપિંડીના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે, તેના રિમાન્ડ મેળવ્યા બાદ અલગ અલગ બાબતો પર પૂછપરછ કરવામાં આવશે અને જરૂર લાગશે તો જે તે કલમો હેઠળ આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.