સાયબર ક્રાઈમને શહેર પાલડીમાં આવેલી અંકુર સ્કૂલમાં વિરાજ દેસાઈ નામનો શખ્સ કોલ સેન્ટર ચલાવતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે સાયબરની ટીમે મકાનમાં મોડી રાત્રે દરોડો પાડ્યો હતો. જ્યાં એક મકાનમાં 6 શખ્સ પૈસા પડાવવા માટે કોલસેન્ટર ચલાવતા હતાં. આરોપીઓ દ્વારા અમેરિકન નાગરિકોને ફોન કરી તેઓને લોન અપાવવા ઉપરાંત પ્રીમિયમ ભરાવવાની લાલચ આપવામાં આવતી હતી. તેઓની પાસેથી રૂપિયા બેંકના ખાતામાં જમા કરાવવામાં આવતા હતાં, છેલ્લા કેટલાક દિવસોથી શરૂ કરાયેલા આ કોલ સેન્ટર મારફતે સંખ્યાબંધ વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે.
આ આરોપીઓમાં વિરાજ દેસાઈ, મોનુ ઓઝા, રોહિતસિંઘ ભાટી, મંથન ખટીક, અજીતસિંહ ચૌહાણ, પ્રદિપ ચૌધરીની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે શાળાના વિવાદાસ્પદ રૂમ કે જ્યાં કોલ-સેન્ટર ચાલતું હતું ત્યાંથી 7 મોબાઈલ ફોન, લેપટોપ, કોમ્પ્યૂટર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ આરોપીઓ જયારે સાંજના સમયે શાળા બંધ કરી દેવામાં આવતી હતી, ત્યારે સ્કૂલના એક રૂમમાં જ અમેરિકન નાગરિકોને કોલ કરી સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેટિવના નામે લોન આપવાની લાલચ આપી તેમજ અવનવા બહાના હેઠળ રૂપિયા પડાવવામાં આવતા હતાં.
આ મુદે વાતચીત કરતા કોગ્રેસી પ્રવક્તા મનીષ દોષીએ જણાવ્યું હતું કે, શાળામાં ગેરકાયદેસર કોલ-સેન્ટર ઝડપાયું છે, તેના સ્કુલ ઈન્સપેક્ટરની કામગીરી અને વિશ્વસનિયતા પર સવાલ ઉભા થાય છે. જિલ્લા શિક્ષણ વિભાગ થતાં ઈન્સપેક્શનની કામગીરીની પણ તપાસ થવી જોઈએ.