અમદાવાદઃ લૉક ડાઉનમાં ધંધારોજગારના અભાવ વચ્ચે પૈસાની તંગી છે, પગાર-પેન્શન અને ગરીબ વર્ગીય લોકો સરકાર દ્વારા આપવામાં આવેલી સહાય મેળવવા માટે સવારથી જ બેંકની બહાર લાઈન લગાવી ઉભા થઇ જાય છે જોકે તેમાં સામાજિક અંતરનું પાલન ભુલાઈ જાય છે. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલી બેન્ક ઓફ ઇન્ડિયા બહાર પણ મોટી સંખ્યામાં લોકો બેન્કમાંથી નાણાં ઉપાડવા કે આર્થિક વ્યવહાર માટે ભેગાં થયાં હતાં. જેમાં સામાજિક અંતરનું ભાન ભૂલાયું હતું.
એટલું જ નહીં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા સામાજિક અંતર સાથે લોકો ઉભા રહી શકે તેના માટે બેન્કોની બહાર પણ કુંડાળા (રાઉન્ડ) કર્યા છે પરંતુ તેનું અમલીકરણ થતું નથી. તસ્વીરમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે લોકો સામાજિક અંતરવાળા રાઉન્ડની અંદર નહી પરંતુ એકબીજા નજીક ઉભાં છે. આ સ્થિતિમાં જો કોઈ એકપણ કોરોના સંક્રમિત વ્યક્તિ હોય તો બધાને ચેપ લાગવાની સંભાવના છે. શાકભાજી ફેરીયાઓ સિવાય તંત્રને બેંકોની બહાર ભીડ ભેગી ન થાય તેની પણ ખાસ તકેદારી રાખવી જોઈએ.
બેન્ક સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે મહિનાની શરૂઆત હોવાથી પગાર-પેન્શન અને સરકાર દ્વારા ગરીબ વર્ગ માટે જે સહાય કરવામાં આવી છે તેના પૈસા ઉપાડવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય છે. લૉક ડાઉન દરમિયાન લોકો પૈસા મર્યાદિત હોવાથી બેન્કોની બહાર ભીડ જામે છે પરંતુ સોશિઅલ ડિસ્ટનસિંગનું પાલન થતું નથી અને તેને લીધે બેન્ક કર્મચારીઓમાં પણ સંક્રમણની શકયતા વધી જાય છે. જોકે સરકાર દ્વારા બેન્કકર્મીઓને માસ્ક, સેનેટાઇઝર સહિતની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
નોંધનીય છે કે હાટકેશ્વર - હરિપુરા વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શાકભાજી ફેરીયાઓનું કોરોના ટેસ્ટ સ્ક્રિનિંગ કરાતા તેમાં એક જ વિસ્તારના ૨૧ લોકોનો ટેસ્ટ પોઝિટિવ આવતાં તંત્ર હરકતમાં આવ્યું હતું અને તમામને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. આટલી મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ આવતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી અને આ 21 શાકભાજી ફેરીયાઓના પરિવારજનોને પણ બસની મારફતે ક્વોરન્ટાઇન માટે લઈ જવામાં આવ્યાં છે.
અમદાવાદમાં એક જ વિસ્તારમાં વધુ કોરોના પોઝિટિવ કેસને કારણે જમાલપુર, મણિનગર, બહેરામપુરા સહિતના વોર્ડને રેડ ઝોન જાહેર કરાયાં છે, જો આગામી સમયમાં પણ અહીં વધુ કેસ પોઝિટિવ સામે આવશે તો તેને પણ રેડ ઝોન જાહેર કરી શકાય છે. બાપુનગરમાં પણ મોટી સંખ્યામાં કેસ આવતા તેને પણ એક-બે દિવસમાં રેડ ઝોન જાહેર કરી શકાય છે. અમદાવાદમાં છેલ્લાં 4 દિવસથી 200થી કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. હાલ અમદાવાદમાં કુલ 4076 કોરોના પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યાં છે.