- 9 લાખ રૂપિયાની લાંચ માગી હતી
- 4.50 લાખ લીધા બાદ બાકીના 4.50 લેવા જતા ઝડપાયો
- બાયોડીઝલના વેપારીને ધંધો ચાલુ રાખવા માટે માગી હતી લાંચ
અમદાવાદઃ એ.સી.બી.એ ગુરૂવારના રોજ ગોઠવેલા છટકામાં સુરત રેન્જ આઈ.જી. કચેરીનો એ.એસ.આઈ. મહાદેવ કિશનરાવ અને તેનો વચેટિયો રૂપિયાના 4.50 લાખની લાંચ લેતા પકડાયા હતા. લાંચ લેતા ઝડપાયેલો એ.એસ.આઈ. રેન્જ આઈ.જી.ની ઓપરેશન ગૃપમાં ફરજ બજાવતો હતો.
લાંચની કરી હતી માગ
સુરત જિલ્લાના સાવા પાટિયા ખાતે બાયો ડીઝલ કેમિકલનો વેપાર કરતા એક વેપારીને વેપાર ચાલુ રાખવા માટે સુરત રેન્જ આઈ.જી.ની સ્પેશિયલ ઓપરેશન ગૃપના જમાદાર એ.એસ.આઈ. મહાદેવ કિશનરાવ સેવાઈકરે રૂપિયા 9 લાખની માગણી કરી હતી. જે પૈકી પહેલા 4.50 લાખ રૂપિયા લીધા હતા. જ્યારે બાકીના 4.50 લાખ રૂપિયા ચાર રસ્તા ખાતે વિપુલ નામના વચેટિયાની ઓફિસે આપવા કહ્યું હતું.
લાંચ ન આપવા માગતા વેપારીએ એ.સી.બી.ને ફરિયાદ કરી
વેપારી આ લાંચની રકમ આપવા માંગતો ન હતો. અમદાવાદ એ.સી.બી.માં ફરિયાદ નોંધાવી હતી. આથી અમદાવાદ એ.સી.બી.એ છટકું ગોઠવ્યું હતું અને આજરોજ વેપારી સાથે રહી વિપુલની ઓફિસે પૈસા આપવા ગયો હતો અને તેનું વીડિયો રેકોર્ડીંગ કર્યું હતું.
લાંચની રકમ લેવા આવતા જ એ.સી.બી.ના છટકામાં આવી ગયો
વિપુલને પૈસા આપ્યા તેના થોડા સમય બાદ ASI મહાદેવ સ્કોર્પિયો લઈને ત્યાં આવી પહોંચ્યો હતો અને લાંચની રકમ લેતા જ ACBના છટકામાં આવી ગયો હતો. ACB એ જમાદાર મહાદેવ અને વચેટિયા વિપુલની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી હતી.
એક માસ પહેલા જ વચેટિયાના કેમિકલના ધંધા પર CID ક્રાઇમે છાપો માર્યો હતો
બાયો ડીઝલ કેમિકલના વેપારી પાસે લાંચ લેવા ગયેલો વિપુલ નામનો વચેટિયના કોસંબા ખાતે આવેલા કેમિકલ વેપાર પર એક મહિના પહેલા જ સી.આઈ.ડી. ક્રાઈમે છાપો માર્યો હતો અને ત્યાંથી 37 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.