અમદાવાદ: દુષ્કર્મના કેસમાં આસારામને ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ સજાના હુકમ સામે આસારામે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. ત્યારે હવે આસારામ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં સજા સ્થગિતની માંગ સાથે વધુ એક પિટિશન દાખલ કરવામાં આવી છે.
" આ અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે દુષ્કર્મની સજાને પડકારતી અરજી પહેલેથી જ દાખલ કરેલી છે. ત્યારે હાઇકોર્ટ તેમની જેલની આજીવન કેદની સજા છે તેને સ્થગિત કરવામાં આવે. કારણ કે આ અપીલની સુનાવણીમાં સમય લાગી શકે છે ત્યારે તેમની જેલની સજાને તે સમય પૂર્તિ સ્થગિત કરવામાં આવે." - આસારામના એડવોકેટ નીતિન ગાંધી
આસારામ વિરુદ્ધ ગોઠવેલું કાવતરું: આ સાથે જ અરજીમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે તેમની સામે જે આ કેસ કરવામાં આવ્યો છે તે પૂરેપૂરો બનાવટી અને ઉપજાવી કાઢેલ છે. ફરિયાદીના પક્ષ દ્વારા અને સાક્ષીઓ દ્વારા આ એક આયોજનબદ્ધ ગોઠવેલું કાવતરું છે કે જેનાથી તેમને અને તેમના આશ્રમને નુકસાન પહોંચી શકે છે. ફરિયાદીઓ દ્વારા નાણાકીય લાભ મેળવવા માટે આ ખોટી રીતે બનાવેલો કેસ છે. ટ્રાયલ કોર્ટ દ્વારા જે પણ નિર્ણય આપવામાં આવ્યો છે તે ભૂલ ભરેલો છે.
17 ઓગસ્ટના રોજ વધુ સુનાવણી: આ સાથે એ પણ રજૂઆત કરવામાં આવી છે કે આસારામ અત્યારે 84 વર્ષના વયસ્ક વ્યક્તિ છે અને તેમને ઉંમરના કારણે વિવિધ બીમારીઓથીઓ પણ પીડિત છે અને લાંબા સમયથી જેલના સળિયા પાછળ છે સુધી તેમની સજાને સ્થગિત કરવામાં આવે. આ સમગ્ર મામલે સુનાવણી બાદ ન્યાયાધીશ એવાય કોગજે અને હસમુખ સુથારની ડિવિઝન ખંડપીઠમાં 17 ઓગસ્ટના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.
શું છે સમગ્ર કેસ: વર્ષ 2013માં આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઈ સામે તેના જ આશ્રમમાં રહેતી સેવિકાએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. જેમાં સુરતની બે બહેનોએ દુષ્કર્મ ગેરકાયદેસર રીતે ગોંધી રાખવાની અને અ કુદરતી શારીરિક સંબંધ રાખવાની ફરિયાદ દાખલ કરી હતી. આ ઘટના વર્ષ 2001માં બની હતી. જ્યારે તારીખ 6 ઓક્ટોબર 2013ના રોજ ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં ગાંધીનગર સેશન્સ કોર્ટે 31 જાન્યુઆરી 2023ના રોજ આસારામને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે.