21 વર્ષ જૂના વર્ષ 1996ના NDPS કેસમાં સંજીવ ભટ્ટ છેલ્લા ત્રણ મહિનાથી જેલમાં છે, ત્યારે તેમના પત્ની શ્વેતા ભટ્ટ દ્વારા સુરક્ષા મેળવવા માટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજદાર શ્વેતા ભટ્ટે પીટીશનમાં આક્ષેપ કર્યો છે કે, ઘણા સમયથી કેટલાક અજાણ્યા લોકો તેમના ઘરની બહાર વોચ રાખીને આટાફેરા મારે છે. ગત ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં જ IIM પાસે તેમની કારને અકસ્માત પણ થયો હતો. અજાણ્યા લોકો અને પોલીસ તેમનો પીછો કરતા હોવાનો પણ શ્વેતા ભટ્ટે આક્ષેપ કર્યો હતો.
અરજદારનો આક્ષેપ છે કે, પોલીસ સિવિલ કપડામાં તેમનો અને તેમના પુત્રનો પીછો કરે છે. જેથી ઘણીવાર તે બાબતે આંકલન કરવું અધરૂ બની જાય છે કે, પીછો કરનાર પોલીસ અધિકારી છે કે અન્ય કોઈ અસામાજીક તત્વ છે. લોકો આવી રીતે પીછો કરતા હોવાથી તેઓ ડરની લાગણી અનુભવતા હોવાનું અરજદારે જણાવ્યું હતું. હંમેશા પીછો કરવો તે 'રાઈટ ટુ પ્રાઈવસી'નો પણ ભંગ છે અને સાથે સાથે તેને હેરાનગતિ પણ કહી શકાય. જેથી અરજદારે પોલીસ પ્રોટેકશનની માગ કરી છે.
અરજદારનો આક્ષેપ છે કે, તેમના પત્ની ત્રણ મહિનાથી જેલમાં છે અને તેમને આપવામાં આવેલી સુરક્ષા પણ રાજ્ય સરકાર દ્વારા અચાનક જ પાછી ખેંચી લેવામાં આવી છે. વર્ષ 2012માં વડાપ્રધાન મોદી સામે મણિનગર મત વિસ્તારથી ચૂંટણી લડી હોવાથી હેટ ક્રાઈમનો ભોગ બન્યા હોવાનો શ્વેતા ભટ્ટે પીટીશનમાં ઉલ્લેખ કર્યો છે.
21 વર્ષ જુના NDPS કાંડમાં સંડોવાયા બાદ રાજ્ય સરકાર દ્વારા અચાનક જ જુલાઈ 2018માં સંજીવ ભટ્ટને લાંબાગાળાથી અપાયેલું પોલીસ પ્રોટેક્શન પાછું ખેંચી લેવામાં આવ્યું હતું. ત્યારબાદ સંજીવ ભટ્ટ દ્વારા પોલીસ પ્રોટેક્શન મેળવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ગત વર્ષે 5મી સપ્ટેમ્બરના રોજ પાલનપુર NDPS કેસમાં ભટ્ટની ધરપકડ બાદ સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ભટ્ટની ધરપકડ બાદ તેમના પરિવારજનોમાં ડરનો માહોલ વધી ગયો હોવાથી સુપ્રીમ કોર્ટના નિર્દેશ પ્રમાણે શ્વેતા ભટ્ટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે.