અમદાવાદઃ તા.15થી 24 ઓક્ટોબર સુધી નવરાત્રિનો તહેવાર સમગ્ર રાજ્યમાં ધામધૂમપૂર્વક ઉજવાશે. ખેલૈયાઓએ નવરાત્રિની તૈયારીઓ ક્યારનીય આરંભી દીધી છે. સરકાર પણ માતાના ભક્તો અને શ્રદ્ધાળુઓને વિવિધ સુવિધા પૂરી પાડતા ખાસ આયોજનો કરતી હોય છે. અમદાવાદમાં મ્યુનિ. કોર્પો. દ્વારા ભકતોને માતાના મંદિર સુધી સરળતાથી પહોંચાડવા માટે ધાર્મિક બસ પ્રવાસ યોજના શરૂ કરી છે.
ધાર્મિક બસ પ્રવાસ યોજનાઃ આ યોજના અંતર્ગત 40 ભકતોને લઈને AMTS બસ શહેરના વિવિધ માતાજીના 14 મંદિરોએ દર્શન કરવા લઈ જશે. નવરાત્રિમાં માતાજીના દર્શનનું સવિશેષ મહત્વ રહેલું છે. તેથી AMCની ટ્રાન્સપોર્ટ કમિટિ દ્વારા એક સુવિધાભર્યો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ધાર્મિક બસ નવરાત્રિના દરેક દિવસે સવારે 8.15 કલાકથી સાંજે 4.45 કલાક સુધી સમગ્ર શહેરમાં પરિભ્રમણ કરશે.
કેવી રીતે થશે બૂકિંગ, શું છે ચાર્જઃ આ ધાર્મિક બસ પ્રવાસ યોજનામાં એક બસને એક દિવસ માટે બૂક કરવાનો ચાર્જ રૂ.2400 નક્કી કરવામાં આવ્યો છે. શહેરના મુખ્ય 4 બસ ટર્મિનસથી આ ધાર્મિક બસનું એડવાન્સ બૂકિંગ કરી શકાશે. આ 4 બસ ટર્મિનસમાં લાલદરવાજા, વાડજ, સારંગપુર અને મણિનગરનો સમાવેશ થાય છે. શ્રદ્ધાળુઓ પોતાની નજીક લાગતા આ ચાર બસ ટર્મિનસ પૈકી કોઈ એક બસ ટર્મિનસ પરથી એડવાન્સ બૂકિંગ કરી શકે છે. સમગ્ર નવરાત્રિ દરમિયાન મનપસંદ દિવસ માટે ધાર્મિક બસ બૂક કરી શકાશે અને પોતાના કુળદેવીના દર્શનનો લાભ લઈ શકાશે.
14 મંદિરોની યાદીઃ ધાર્મિક બસ પ્રવાસ યોજના અંતર્ગત આવરી લેવાયેલા મંદિરોની યાદી આ મુજબ છે. એસ.જી. હાઈવે ખાતે વૈષ્ણવદેવી માતા મંદિર, જાસપુર રોડ ખાતે ઉમિયા માતા મંદિર, સુઘડ ખાતે આઈ માતા મંદિર, ધર્મનગર ખાતે કૈલાદેવી માતા મંદિર, લાલ દરવાજા ખાતે ભદ્રકાળી માતા મંદિર, દૂધેશ્વર ખાતે મહાકાળી માતા મંદિર, અસારવા ખાતે ભવાની વાવ મંદિર, અસારવાના ચામુંડા બ્રિજ નીચે ચામુંડા માતા મંદિર, નિકોલ ખાતે ખોડિયાર માતા મંદિર, રખિયાલ ખાતે હરસિદ્ધ માતા મંદિર, ભુલાભાઈ પાર્ક ખાતે બહુચરાજી માતા મંદિર, બહેરામ પુરા ખાતે મેલડી માતા મંદિર, નવરંગ પુરા ખાતે હિંગળાજ માતા મંદિરનો ધાર્મિક બસ પ્રવાસ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજનામાં સમાવિષ્ટ મંદિરો સિવાય પણ ભકતોને જો કોઈ મંદિર દર્શન કરવા જવું હશે તો તેની પણ વ્યવસ્થા કરવામાં આવશે.