અમદાવાદ : પોલીસમાંથી મળતી સત્તાવાર માહિતી અનુસાર સોલા પોલીસે એસ.પી રીંગ રોડ સર્કલ પાસેથી બાતમીના આધારે કારમાં રિવોલ્વર અને કારતૂસનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેમાં ગાંધીનગરના પ્રતીકકુમાર ઈશ્વરભાઈ ચૌધરી નામના નિવૃત આર્મીમેનની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીની આ અંગે પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, તે જમ્મુ કાશ્મીરના રસપાલકુમાર ફોજી નામના એજન્ટ મારફતે જમ્મુના મહિન્દર કોતવાલ ગનહાઉસથી આ હથિયાર મેળવ્યા હતા. તેમજ તેણે અત્યાર સુધીમાં 9-10 રિવોલ્વર જમ્મુ કાશ્મીરથી લાવી તેના ખોટા લાયસન્સ બનાવી અલગ અલગ વ્યક્તિઓને વેચાણ આપેલી હોય તે પ્રકારની હકીકત જણાવી હતી.
લાખોનો મુદ્દામાલ : પોલીસે 10 રિવોલ્વર અને એક પિસ્તોલ સહિત 142 જીવતા રાઉન્ડ તેમજ 29 ફોડેલા રાઉન્ડ, સાત હથિયારના લાયસન્સ અને કાર સહિત 11 લાખ 43 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલો પ્રતીક ચૌધરી જમ્મુ કાશ્મીરથી હથિયાર લાવી તેના ખોટા લાયસન્સ બનાવી અલગ અલગ વ્યક્તિઓને વેચવાનું કામ કરતો હતો. તેની પાસેથી કુલ ચાર રિવોલ્વર અને એક પિસ્ટલ અને 63 કારતુસ જીવતા અને 14 ફૂટેલા કારતૂસ રિકવર કર્યા છે.
હથીયારના ગ્રાહક : પોલીસે આરોપીઓની તપાસ કરતા તેઓએ આ હથિયાર અમદાવાદ, મહેસાણા તેમજ ગાંધીનગર જિલ્લાઓમાં અલગ અલગ લોકોને વેચ્યા હોવાની હકીકત સામે આવી હતી. જેથી આ સમગ્ર મામલે આરોપીઓની પાસેથી હથિયાર ખરીદનાર ભાવેશ ટેવાણી, અનિલ ઉર્ફે બાબુ વાઘેલા, નબી ઉર્ફે નબો જાદવ, નવસાદ મલેક અને સચિન ઠાકોર એમ અન્ય 6 આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
અગાઉ પ્રતીક ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી. તેની તપાસ કરતા અન્ય આરોપીઓના નામ સામે આવ્યા હતા. એક બાદ એક તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓએ આ સિવાય અન્ય કેટલા હથિયારો જમ્મુ કાશ્મીરથી લાવીને અહીંયા વેચ્યા છે, તેમજ જમ્મુ કાશ્મીરનો આરોપી આતંકી ઇરાદા સાથે આ હથિયારો આપતો હતો કે કેમ ? તેમજ હથિયારોથી મેળવેલા પૈસાનું આરોપી શું કરતા હતા ? તે તમામ દિશામાં પકડાયેલા આરોપીઓના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરવામાં આવી છે.-- ડૉ. લવિના સિંહા (DCP, ઝોન 1 અમદાવાદ)
આરોપીઓનું નેટવર્ક : જ્યારે નિકોલમાં રહેતા જતીન પટેલ નામનો આરોપી અન્ય રીતે ગુનો કરતો હતો. ઉલ્લેખનિય છે કે, નિવૃત સૈનિકો જમ્મુ કાશ્મીરથી 12 બોર તથા રિવોલ્વર લાઇસન્સ લેતા હોય છે. જે પૈકી જે નિવૃત્ત સૈનિકોએ ફક્ત 12 બોર્ડની ગન લીધી હોય અને રિવોલ્વર લેવાની બાકી હોય. તેવા નિવૃત સૈનિકોનો સંપર્ક કરી તેઓના લાયસન્સ રીન્યુ કરી આપવાની લાલચ આપી તેમના લાયસન્સ મેળવી મુખ્ય આરોપી પ્રતિક ચૌધરીને આપી આર્થિક લાભ મેળવતો હતો. આ ગુનામાં ઝડપાયેલો બીપીન મિસ્ત્રી આરોપી પ્રતિક ચૌધરી સાથે જમ્મુ કાશ્મીર હથિયાર લેવા તેમજ ડુબલીકેટ લાયસન્સ બનાવવાની કામગીરી કરતો હતો.
ઉંચા કનેક્શન : આ મામલે પકડાયેલા આરોપીઓ 4 વર્ષથી આ રીતે હથિયાર લાવી અલગ અલગ ગ્રાહકોને 5 લાખથી 25 લાખમાં વેચતા હતા. પ્રતીક ચૌધરી વધુ હથિયારો લેવા માટે ફરીવાર જમ્મુ કાશ્મીર જવાનો હતો. જોકે, તે પહેલા તેને પકડી પાડવામાં આવ્યો છે. મહત્વનું છે કે, આ કેસમાં ઝડપાયેલા આરોપીઓમાં પ્રતીક ચૌધરીની પત્ની ઇડરમાં સરકારી કર્મી અને નવસાદ મલેક શેલા ગામના સરપંચના પતિ હોવાનું સામે આવ્યું છે. તેમજ સચિન ઠાકોરની પત્ની જનક ઠાકોર ચાંગોદર બેઠક પરથી જિલ્લા પંચાયત સદસ્ય હોવાનું સામે આવ્યું છે.
કોર્ટના આદેશ : આ મામલે પોલીસે ઝડપેલા મુખ્ય ત્રણ આરોપી અને હથિયાર ખરીદનાર 6 ગ્રાહકો સહિત 9 આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં કોર્ટે હથિયાર ખરીદનાર 6 ગ્રાહક આરોપીઓને જેલ હવાલે કર્યા છે. જ્યારે મુખ્ય ત્રણ આરોપીઓના 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.