અમદાવાદ : અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) ઉત્તરોત્તર વિકાસની હરળફાળ ભરી રહ્યું છે. ઉડ્ડયન ઉદ્યોગ અને પેસેન્જર ટ્રાફિકમાં ભારે વૃદ્ધિ સાથે એરપોર્ટે અનેક સીમાચિહ્નો હાંસલ કર્યા છે. એક જ વર્ષમાં અમદાવાદ એરપોર્ટે 150થી વધુ વિવિધ પ્રકારના એરક્રાફ્ટ્સને સેવાઓ પૂરી પાડી છે. વિકાસરત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓને કારણે કેટલાક વિમાનોએ તો અમદાવાદમાં સૌ પ્રથમ વખત ઉતરાણ કર્યુ. ગુજરાત સરકારની સત્તાવાર યાદી મુજબ આ જાણકારી મળી રહી છે.
માઇક્રોલાઇટથી લઈને વિશાળકાય એરક્રાફ્ટ્સ : સતત વિકસતી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ સાથે એરક્રાફ્ટસ, પેસેન્જર અને કામદારોની સુરક્ષાને પ્રાધાન્ય આપવું એ પણ SVPIAની વિકાસયાત્રાનું અભિન્ન અંગ છે. ગત વર્ષે અમદાવાદ એરપોર્ટે માઇક્રોલાઇટથી લઈને વિશાળકાય એરક્રાફ્ટ્સને ઉત્કૃષ્ટ સેવાઓ પૂરી પાડી છે.
કઇ કઇ નોંધપાત્ર વિમાન યાત્રા રહી : વિશ્વપ્રવાસે નીકળેલા માર્ક રુધરફોર્ડે શાર્ક એરોએ UL સાથે વિક્રમી યાત્રા માટે ઉડાન ભરી તે ખુબ જ યાદગાર પ્રસંગ હતો. કેટલાક નોંધપાત્ર એરક્રાફ્ટ્સમાં એરબસ 350 અને બોઇંગ 787-8 ડ્રીમલાઇનરની ફ્રીક્વન્સીઝ વધી રહી છે. અમદાવાદ એરપોર્ટ ખાતે અવારનવાર આવતા મોટા કાર્ગો પ્લેનમાં એન્ટોનોવ-124 અને આઇકોનિક એરબસ બેલુગાનો સમાવેશ થાય છે. એ વિમાનો પેસેન્જર્સ માટે, કાર્ગો પરિવહન માટે કે રિફ્યુઅલિંગ માટે રોકાણ કરતા હોય છે.
પસંદગીનું એરપોર્ટ બન્યું : લાંબી યાત્રા દરમિયાન અમદાવાદ એરપોર્ટ પસંદગીનું એરપોર્ટ બની રહ્યું હોય તેમ લાગે છે. એરબસ બેલુગાનું રિફ્યુઅલિંગ સ્ટોપ તેનો પુરાવો છે. SVPIA વિવિધ પ્રકારના એરક્રાફ્ટને સમાવવા માટે હંમેશા સુસજ્જ રહે છે.
સતત અપગ્રેડ : ગત વર્ષોમાં એરપોર્ટ ટર્મિનલ ઉપલબ્ધ જગ્યાના સમાવેશી ઉપયોગ સાથે સતત અપગ્રેડ થઈ રહ્યા છે. અમદાવાદ એરપોર્ટના રનવે, ટેક્સીવે અને એપ્રોન્સનું પણ નવીનીકરણ કરવામાં આવ્યું છે.
ઉડ્ડયન ઉદ્યોગમાં મહત્વનુ સ્થાન : સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ યુનાઈટેડ આરબ અમીરાત – અલ ફુરસન (એરમાચી MB-339NAT), દક્ષિણ કોરિયા – બ્લેક ઈગલ્સ (KAI T-50B ગોલ્ડન ઈગલ), આપણા દેશનું ગૌરવ સૂર્ય કિરણ (BAE હોક Mk.132) અને સારંગ (HAL Dhruv) માટે પણ સ્ટોપઓવર પસંદગી બની ગયું છે. જેના કારણે ઉડ્ડયન ઉદ્યોગમાં તેને મહત્વનુ સ્થાન મળ્યું છે. અમદાવાદ એરપોર્ટે IL 76, IL 78, C 17 ગ્લોબમાસ્ટર, C 130, DO 228, EMB અને જ્યારે જરૂર પડે ત્યારે સંરક્ષણ એરક્રાફ્ટ મૂવમેન્ટ સહિત વિવિધ વાઈડ-બોડી એરક્રાફ્ટને સફળતાપૂર્વક હેન્ડલ કર્યા છે.
ટ્રાફિક ક્ષમતાનો વિસ્તાર : SVPIA ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટથી લઈને યાત્રીઓની શ્રેષ્ઠ સેવા માટે તત્પર રહે છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોના વિકાસ અને પ્રગતિને વેગ આપવા એરપોર્ટ પ્રતિબદ્ધ છે. મુસાફરો અને ઉત્સાહી હવાઈયાત્રીઓને એરપોર્ટ ખુબ જ રોમાંચક અને ગતિશીલ અનુભવ આપી રહ્યું છે. એરપોર્ટ એરક્રાફ્ટની વિશાળ શ્રેણીની ટ્રાફિક ક્ષમતાનો વિસ્તાર કરી રહ્યું છે.