- 31 ડિસેમ્બરને લઈને મહિલા પોલીસનો એક્શન પ્લાન
- કરફ્યૂ પહેલા અને કરફ્યૂમાં પણ મહિલા પોલીસ કરશે પેટ્રોલિંગ
- છેડતી કરતા રોમિયો પર રાખવામાં આવશે નજર
અમદાવાદ : 31 ડિસેમ્બરને હવે ગણતરીના દિવસો બાકી છે. પરંતું આ વર્ષે જાહેર સ્થળો પર ઉજવણી પર પ્રતિબંધ છે અને રાત્રીના 9 વાગ્યા બાદ કરફ્યૂનું પાલન કરવાનું રહેશે. તેમ છતાં કરફ્યૂ અગાઉ અને કરફ્યૂ દરમિયાન મહિલા પોલીસ પણ કાર્યરત રહેશે. આ વર્ષે કોરોનાને કારણે કોઈ પણ સ્થળ પર ઉજવણી કરી શકાશે નહીં. તેમ છતાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મહિલા પોલીસ કાર્યરત રહેશે. શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને મહિલા પોલીસ સ્ટેશનના કર્મચારી અને અધિકારી ખાનગી કપડામાં શહેરના અનેક વિસ્તારોમાં પેટ્રોલિંગ કરશે.
અમદાવાદ : 31ડિસેમ્બરની ઉજવણીને લઈને મહિલા પોલીસનો એક્શન પ્લાન અવાવરું જગ્યા અને ભીડભાડ વાળી જગ્યાઓ પણ કરાશે પેટ્રોલિંગ
મહિલા પોલીસ દ્વારા જ્યાં લોકોની ભીડભાડ વધુ હશે, ત્યાં ખાનગી કપડામાં પેટ્રોલિંગ કરશે અને યુવતીઓની છેડતી કરનાર રોમિયો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત અવાવરું જગ્યાઓ પર પણ પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવશે. જેથી કોઈ બનાવ બનતા અટકી શકે.
કરફ્યૂમાં પણ મહિલા પોલીસ ફરજ બજાવશે
રાત્રીના 9 વાગ્યા બાદ કરફ્યૂ શરૂ થશે, ત્યારે 9 વાગ્યા બાદ પણ મહિલા પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાઓ પર કરફ્યૂનું પાલન કરવામાં આવશે અને કોઈ છેડતી કે, અન્ય ગુના બનતા અટકાવાશે.
મહિલા ACPની યુવતીઓને અપીલ
મહિલા ક્રાઈમના ACP મીની જોસેફે યુવતીઓને અપીલ કરી છે કે, જ્યારે કોઈ યુવતી બહાર જાય છે તો પોતાના અંગત વ્યક્તિને જાણ કરે, પેક કર્યા વિનાનું કોઈએ પણ આપેલું ખાવા પીવાનું ના ખાવું, અવાવરું જગ્યાએ કોઈની પણ સાથે ના જવું, ભીડ હોય તેવી જાહેર જગ્યાઓ પર જ રહેવુ. આ વખતે 31ડિસેમ્બરની ઉજવણી નહીં થાય, પરંતુ મહિલા પોલીસ પોતાની ફરજ નિભાવશે અને તે માટે મહિલા પોલીસ દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે.