અમદાવાદ : અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપેલા ખંડણી ખોર પત્રકાર આશિષ કંજારીયાની તપાસમાં મોટા ખુલાસા થયા છે. જેમાં તેના દ્વારા અલગ અલગ ત્રણ વેબસાઈટ બનાવવામાં આવી છે. આધાર ફાઉન્ડેશનના નામે તે વેબસાઈટ ચલાવી તેના અલગ અલગ લેટરપેડ બનાવી સરકારી કચેરીઓમાં તેના આધારે પોલખોલ ટીવી ન્યૂઝ એડિટરના હોદા તરીકે માહિતી મેળવી કુલ સંચાલકોને સ્કૂલ બંધ કરાવી દેવાની તેમજ સ્કૂલને બદનામ કરવાની ધમકીઓ આપી સ્કૂલ પ્રમોશનના નામે ખાતામાં રૂપિયા મેળવતો હતો.
ખંડણીના નાણાં અહીં વાપર્યા : પોલીસના સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ આરોપી આશિષ કંજારીયાએ કાસિન્દ્રા ગામ ખાતે રામેશ્વર પેરેડાઇઝ વિલા ખાતે બંગલો ખરીદવા માટે તેમજ બંગલાના ઇન્ટિરિયરના કામ પેટેના રૂપિયા પણ સ્કૂલના સંચાલકો પાસેથી તેમજ અન્ય સંસ્થાઓ પાસેથી મેળવેલ રૂપિયા માંથી ચૂકવ્યું હોવાનું તપાસ દરમિયાન સામે આવતા સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો Ahmedabad Crime: ખંડણીખોર પત્રકાર આશિષ કંજારીયાએ CMO ની ઓળખાણ આપી પૈસા પડાવ્યા Bhavnagar Crime: બિલ્ડરનું ચાર શખ્સોએ કર્યું અપહરણ, 50 લાખની ખંડણી માંગી |
કુલ દોઢ કરોડની ખંડણી લીધી : આરોપી આશિષ કંજારીયા દ્વારા અત્યાર સુધી 30થી વધુ શૈક્ષણિક સંસ્થાઓ પાસેથી રોકડમાં તેમજ કોર્પોરેટ ઓનલાઇન ખાતામાં દર વર્ષે રૂપિયા મેળવેલ હોવાની માહિતી મળી છે. જેમાં રોકડમાં આજ દિન સુધી 35 લાખથી વધુ રૂપિયા તેમજ બેંક ખાતામાં એક કરોડ પંદર લાખ રૂપિયા મળીને કુલ દોઢ કરોડ જેટલી રકમ શૈક્ષણિક સંસ્થા તેમજ અન્ય ઔદ્યોગિક એકમો પાસેથી તેમજ ટ્રાવેલ એજન્સી પાસેથી ખંડણી રૂપે વસૂલ કરી છે.
રજીસ્ટ્રેશનની માહિતી મેળવાઇ : આ મામલે ચેરીટી કમિશનર પાસેથી આધાર ફાઉન્ડેશન નામના ટ્રસ્ટની તમામ વિગતો અને વેબસાઈટોના આધારે તેના ડોમિન અને હોસ્ટિંગ તેમજ કોર્પોરેટ ઓનલાઇન બેન્ક ખાતાની માહિતી મંગાવવામાં આવી છે. આશિષ કંજારિયા તમામ શૈક્ષણિક સંસ્થાઓ પાસેથી માહિતી મેળવવા માટે તેની ઓળખ પોલ ખોલ ટીવીના ન્યુઝ એડિટર તરીકે આપતો હોય જેથી કલેક્ટર પાસેથી પોલ પોલ ટીવી ન્યૂઝ ચેનલ રજીસ્ટ્રેશન વિશેની માહિતી પણ મેળવવામાં આવી છે.
ત્રીજો ગુનો નોંધાયો : અમદાવાદ શહેર અને ગ્રામ્યની અનેક શાળાઓમાં વાલી મંડળના પ્રમુખ પોલખોળ ટીવીના એડિટર તેમજ આર.ટી.આઈ એક્ટિવિસ્ટ તરીકેની ઓળખ આપી ધમકીઓ આપી લાખો રૂપિયા પડાવનાર બોગસ પત્રકાર આશિષ કંજારિયા સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ત્રીજો ગુનો નોંધાયો છે. જેમાં આરોપીએ સેટેલાઈટની શાળાના ટ્રસ્ટીને ધમકીઓ આપી 6 લાખ તેમજ ટ્રસ્ટીના ભાઈને ધમકીઓ આપી 2 તેમજ એમ કુલ 8 લાખ રૂપિયા ખંડણી પેટે પડાવ્યા હતા.
આનંદ નિકેતન શાળાના ટ્રસ્ટીએ ફરિયાદ કરી : અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલી આનંદ નિકેતન શાળાના ટ્રસ્ટી કમલ શિવપ્રસાદ મંગલે ફરિયાદ નોંધાવી છે. પોલીસ સૂત્રો અનુસાર ફરિયાદમાં જણાવાયું છે કે આરોપીએ 2019 થી 2023 સુધીમાં તેઓની સ્કૂલમાં એડમિશન કરાવવા માટે આવીને એડમિશન કરાવીને પેરેન્ટ્સ પાસેથી 2 લાખ પડાવી લીધા હોય અને ફરિયાદીએ એડમિશન આપવાની ના પાડતા ખોટી રીતે હેરાન કરી ખોટા કેસમાં પસાવી દેવાની ધમકી આપી 6 લાખ રૂપિયા પડાવ્યા હતા. તેમજ ફરિયાદીના નાના ભાઈ ગિરધર ગોપાલની સેટેલાઈટ મોડેલ હાઇટ્સ ખાતે આવેલ મંગલ પેપર પ્રાઇવેટ લિમિટેડની ઓફિસે જઈ તેને પણ સી.એમ.ઓ ઓફિસમાં ઓળખાણ હોવાનું તેમજ પૈસા નહીં આપો તો જીએસટી અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની રેડ પડાવવાની ધમકીઓ આપી બે લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ સમગ્ર મામલે અંતે તેઓએ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
ધરપકડ બાદ રિમાન્ડ લેવાયા હતાં : પત્રકારના નામે શાળા સંચાલકોને ડરાવી ધમકાવી ખંડણી માંગનાર બોગસ પત્રકાર આશિષ કંજારિયા સામે વધુ બે ખંડણીની ફરિયાદ નોંધાઇ છે. જેમાં પોલીસ સૂત્રો અનુસાર અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનમાં તેમજ ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો નોંધાયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મણિનગરમાં શાળાના ટ્રસ્ટી પાસેથી 10 લાખ રૂપિયાની ખંડણી માંગવા મામલે આશિષ કંજારિયાની હાલમાં જ ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા, અને હાલમાં વધુ બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ત્યારે આ મામલે વધુ એક ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચમાં આશિષ કંજારિયા સામે દાખલ થઈ છે.
ખોટા કેસમાં ફસાવવાની ધમકી : થલતેજમાં આવેલી ઉદગમમ સ્કૂલ ઓફ ચિલ્ડ્રન્સના ટ્રસ્ટી મનન ચોકસીએ ખંડણીની ફરિયાદ નોંધાવી છે. વર્ષ 2019માં ફરિયાદી મનન ચોકસીને અવારનવાર વ્હોટ્સએપ કોલ કરીને આશિષ કંજારીયાએ એડમિશનના નામે 6 લાખ રૂપિયાની ખંડણી માગી શિક્ષણ વિભાગ તેમજ જુદી જુદી સરકારી કચેરીમાં શાળા વિરુદ્ધ ખોટી અરજીઓ કરી તેમ જ ધમકીઓ આપી શાળા બંધ કરાવી દેવાની અને જામીન પણ ન મળે તેવા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી હતી.
વાલી મંડળ પ્રમુખના નામે ધમકીઓ આપી : બોગસ પત્રકાર આશિષ કંજારીયા સામે અમદાવાદ ગ્રામ્યના બોપલ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાઈ છે, જેમાં બોપલ ખાતે શ્રી રામ વિદ્યાલયના ટ્રસ્ટી શશી ભટ્ટે ફરિયાદ નોંધાવી છે. જેમાં વર્ષ 2017 માં આશિષ કંજારીયાએ તેઓને પોતે વાલી મંડળનો પ્રમુખ અને આરટીઆઈ એક્ટિવિસ્ટ તેમજ પોલખોલ યુટ્યુબ ચેનલ ચલાવું છું કહીને પ્રકારની ધમકીઓ આપી વાર્ષિક 50 હજાર રૂપિયાની માંગણી કરી હતી.
આરોપીની પત્ની શિક્ષક : આરોપી આશિષ કંજારીયાએ 30 જેટલી શાળાઓ તેમજ 2 ટ્રાવેલ એજન્સી અને 2 ઔદ્યોગિક એકમ પાસેથી 76 લાખ જેટલી રકમ પડાવી હોવાનું તપાસમાં ખુલ્યું છે. આરોપી આશિષ કંજારીયાનો પુત્ર જે શાળામાં અભ્યાસ કરે છે તે શાળામાં છેલ્લા અમુક વર્ષોથી આશિષ કંજારીયાએ તેની ફી પણ ન ભરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે તેમજ તેની પત્ની પણ સરકારી નોકરી કરતી હોય અને તે પણ શિક્ષક હોય આ સમગ્ર મામલે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે.
ખંડણી કેસની તપાસ તેજ : આ અંગે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના ACP ભરત પટેલે જણાવ્યું હતું કે આરોપીના ચાર દિવસના રિમાન્ડ દરમિયાન અનેક બાબતો સામે આવી છે. રોકડ તેમજ બેંક ખાતામાં તેના દ્વારા લેવામાં આવેલી ખંડણી અંગે પણ તપાસ હાથ ધરી તેમજ તેના દ્વારા ચલાવવામાં આવતા યુટ્યુબ ચેનલ અને આધાર ફાઉન્ડેશન અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.